- કપચીના પ્લાન્ટમાંથી ઉડતી ડસ્ટ અને ધુમાડાથી ખેતીના પાકોને નુકસાન
- ખેડૂતો અને દલિત અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ
- યોગ્ય વળતર અથવા પ્લાન્ટ બંધ કરવા ખેડૂતોએ કરી માગ
અમદાવાદ : વિરમગામ-કચ્છ-ભુજ ડાઇવર્ઝન રોડ પર સરસ્વતી બિલ્ડ કોન કંપનીમાં પ્રોડક્શનને કારણે ડામર અને કપચીનું ડસ્ટ તેમજ ધુમાડાને કારણે આજુબાજુના ખેતરોના ઉભા પાકને પારાવાર નુકસાન થાય છે. જે કારણે ખેડૂતોએ માગ કરી છે કે, નુકસાનનું યોગ્ય વળતર મળે અથવા તો આ પ્લાન્ટ બંધ કરો. આ અનુસંધાને ખેડૂતો અને દલિત અધિકાર મંચ દ્વારા પ્રાંત ઓફિસર અને મામલતદારને આવેદનપત્ર પાઠવી લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
જગતના તાતની વેદના કોઈને સંભળાતી નથી
પ્લાન્ટના માલિકને લોકડાઉન પહેલા લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં જગતના તાતના પ્રશ્નો હલ થયા ન હતા. સરસ્વતી બિલ્ડ કોન પ્લાન્ટ ગત 3 વર્ષથી કાર્યરત છે. આ પ્લાન્ટની ચારે બાજુની જમીનમાં ગત 3 વરસથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન થઇ રહ્યું છે. ખેડૂતોએ અવાર-નવાર પ્લાન્ટના માલિક અને સત્તાધિશોને લેખિક અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ જગતના તાતની વેદના કોઈને સંભળાતી નથી, જે કારણે જગતનો તાત મુશ્કેલીમાં મૂકાઇ ગયો છે.
ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માગ
અવાર-નવાર રજૂઆત કરી છતાં ખેડૂતનો પ્રશ્ન થયો નથી. જેથી પ્લાન્ટ વહેલીતકે સદંતર બંધ કરવા તેમજ ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટેની માગ કરી હતી. આ સાથે જો આગામી સમયમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો ખેડૂતો ઉપવાસ પર બેસશે અને ખેડૂતને કંઈપણ થશે તેની જવાબદારી સરકારની રહેશે. તેવી રજૂઆત ખેડૂતો અને દલિત અધિકાર મંચ દ્વારા પ્રાંત ઓફિસર અને મામલતદારને આવેદન પાઠવી કરવામાં આવી હતી.
પ્લાન્ટ બંધ કરાવો અથવા યોગ્ય વળતર અપાવો
આ સાથે જ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, પ્લાન્ટ બંધ કરાવો અથવા યોગ્ય વળતર અપાવો નહીંતર ખેડૂત ઉપવાસ પર ઉતરશે અને આ દરમિયાન ખેડૂત ભાઈઓને કંઈ પણ થાય તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે, તેમ દલિત અધિકાર મંચ દ્વારા જણાવવામાં આવ્યું છે.