વિશ્વની સૌથી મોટી બે અર્થવ્યવસ્થાઓ એટલે કે, ચીન અને અમેરિકા છેલ્લા કેટલાય સમયથી આડકતરી રીતે એક બીજા પર હૂમલો કરી રહ્યાં છે. જેમાં રવિવારે અમેરિકાએ ચીન સાગરમાં નેવીનું ફ્રીડમ ઓફ નેવિગેશન ઓપરેશન શરૂ કરીને વધુ તણાવ ઉભો કર્યો છે. આ બાબતે અમેરિકી સેનાએ નિવેદન આપ્યું હતું કે, દક્ષિણ ચીન સાગરમાં સ્કારબોરો શોઆલની પાસે અમેરિકાએ યુદ્ધની તૈયારીઓ શરૂ કરી છે. તો બીજી બાજુ અમેરિકાની આ પહેલ બાદ ચીને પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સ્કારબોરો શોઆલ એવો દરિયાઇ વિસ્તાર છે, જ્યાં ચીન સાથે ફિલિપાઇન્સ અને તાઇવાન પણ પોતાનો હક્ક જમાવી રહ્યા છે.
અમેરિકાની સેનાનું કહેવું છે કે, ફ્રીડમ ઓફ નેવિગેશનનો ઘ્યેય વિવાદીત જમીન પર વિશ્વનું ઘ્યાન કેન્દ્રિત કરવાનો છે. મુક્ત વેપારના સુત્ર પ્રમાણે તમામ દેશોએ આ માર્ગનો ઉપયોગ કરવાનો હક્ક છે. કોઇ દેશનો આ જળમાર્ગ એકપક્ષીય અધિકાર ના હોવો જોઇએ.
અમેરિકાએ પોતાના યુદ્ધ જહાજો દરિયામાં ઉતારવાની સાથે જ સિંગાપુરની નૌસેનાએ રવિવારે દક્ષિણ ચીન સાગરમાં દ્વીપક્ષીય અભ્યાસ શરૂ કર્યો છે. સાથે જ ભારતીય નૌસેનાએ દરિયામાં પોસીડોન-81 સાથે અભ્યાસમાં ભાગ લીધો છે. આ અભ્યાસ 22મે સુધી ચાલશે.