અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં દબાણો દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં રોડ પર આવેલી શાક માર્કેટના દબાણ દૂર કરી તેમને વૈકલ્પિક જગ્યા આપવાની વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત કૉર્પોરેશનમાં એક જ જગ્યા ઉપર 1,000 દિવસથી વધારે નોકરી કરતા અધિકારીઓની U20 બાદ બદલી કરવામાં આવશે. જ્યારે ઈ. ડબલ્યુ. એસ આવાસમાં રકમ બાકી લોકોની નોટિસ પાઠવવામાં આવશે.
કેટલાક કામો માત્ર ચોપડા પરઃ અમદાવાદમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ પણ કેટલાક કામો કરવામાં આવે છે. તો કેટલાક કામ માત્ર કાગળ પર જોવા મળતા હોય છે. ત્યારે કૉર્પોરેશને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કેટલાક નિર્ણયો કર્યા હતા.
શાક માર્કેટમાં દબાણ દૂર કરાશેઃ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, શહેરની અંદર જે વિસ્તારમાં શાક માર્કેટ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. તે દબાણ દૂર કરવામાં આવશે. સાથે તેમને અલગ વૈકલ્પિક જગ્યા પણ ફાળવવાની વિચારણા સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જમાલપુર શાકમાર્કેટ બહાર મોટી સંખ્યામાં ફેરિયાવાળાઓને રોડ ઉપર ભારે પ્રમાણમાં ટ્રાફિક કરતા હોય છે, જેને લઈને એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ દૂર કરાતા ભારે હોબાળો જોવા મળ્યો હતો. તેને લઈને અમદાવાદ કૉર્પોરેશન એક વૈકલ્પિક જગ્યા આપવાની વિચારણા કરી રહી છે.
લોક દરબાર યોજી અરજીનો નિકાલઃ અમદાવાદ કૉર્પોરેશનમાં હાલ ઈમ્પેક્ટ ફીની 7,800 અરજીઓ આવી છે. જ્યારે પ્રોપર્ટી ટેક્સમાં 6,000 થી પણ વધુ અરજીઓ આવી રહી છે.જેમાં રોજની ટેક્સ બાબતે 150 અરજીઓ આવી રહી છે. જેને નિકાલ કરવા માટે અમદાવાદ શહેરમાં લોક દરબાર યોજવાનો આયોજન કરવામાં આવ્યું છે જેથી આ અરજીઓને ઝડપીથી નિકાલ કરી શકાય.
અધિકારીઓની બદલીઃ કોર્પોરેશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર 1,000થી પણ વધુ દિવસો એક જગ્યા નોકરી કરતા અધિકારીઓની બદલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, આ વાત AMC છેલ્લા 6 મહિનાથી કરી રહી છે, પરંતુ હજી સુધી એક પણ અધિકારીની બદલી કરવામાં આવી નથી તો હવે સવાલ એ થઈ રહ્યો છે કે. શું ખરેખર આ અધિકારીઓની બદલી થશે ખરી?
ગેરકાયદેસર હોર્ડિંગ્સ હટાવાશેઃ શહેરમાં વિવિધ જગ્યા ઉપર હોલ્ડિંગ લગાવવામાં આવી રહ્યા છે, જેમાં કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, શહેરમાં જે પણ જગ્યા ઉપર ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હશે. તેની યાદી જાહેર કરવાની સૂચના આપવામાં આવી છે. આ યાદી તૈયાર થયા બાદ આ તમામ ગેરકાયદેસર હોર્ડિંગ દૂર કરવામાં આવશે. સાથે અમદાવાદ શહેરમાં જે પણ ગેસના ગોડાઉન છે. તેને શહેરની બહાર લઈ જવાની પણ તૈયારી કૉર્પોરેશન દ્વારા દર્શાવવામાં આવી રહી છે.
વેઈટિંગ લિસ્ટવાળાને મકાન અપાશેઃ કૉર્પોરેશન દ્વારા EWS આવાસ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં જે લોકોના ડ્રો નામ આવી ગયા બાદ પણ જે લોકોએ બાકીની રકમ હજી સુધી ભરી નથી. તેવા લોકોને નોટિસ પાઠવવામાં આવશે. ત્યારબાદ પણ જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો જે રકમ ભરી છે. તે રકમ પરત કરીને વેઈટિંગ લિસ્ટવાળાને આ મકાન ફાળવવામાં આવશે. જોકે, હજી સુધી 5,000થી વધુ લોકોના પૈસા ભરવાના બાકી છે.