અમદાવાદઃ અમદાવાદ શહેર કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. અમદાવાદમાં કોરોનાના એક જ દિવસમાં 50 કેસો નોંધાતાં તંત્ર પણ દોડતું થયું છે. અમદાવાદમાં કોટ વિસ્તારમાં કોરોનાના કેસોની સંખ્યા વધી છે. જમાલપુર, દાણીલીમડા, શાહપુર સહિતના કોટ વિસ્તારોને AMC દ્વારા ક્લસ્ટર કોરન્ટાઇન કરવામાં આવ્યાં છે અને બફર ઝોન ડિકલેર કરવામાં આવ્યાં છે.
આજથી મેગા સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે AMC ની હેલ્થ ટીમો દ્વારા લોકોનું કોટ વિસ્તારમાં ચેકઅપ કરવામાં આવી રહ્યું છે, જ્યાં હેલ્થ ટીમની પૂછપરછમાં મોટાભાગના લોકો અસહકારી વલણ દાખવી રહ્યાં છે. આવા સંજોગોમાં ડૉક્ટર અલતાફ શેખનું પ્રેરક ઉદાહરણ સામે આવ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાં પટવા શેરીમાં રોડ પર AMCની હેલ્થ ટીમ દ્વારા લોકોનું ચેકિંગ કરવામાં આવતું હતું. આ હેલ્થ ટીમની વ્હારે આજ વિસ્તારમાં ક્લિનિક ચલાવતાં ડોક્ટર અલ્તાફ શેખ પણ આવ્યાં છે. આવા કપરા સમયમાં અલ્તાફ શેખે તેમના ક્લિનિકમાં આ ચેકઅપ માટે AMCની હેલ્થ ટીમને જગ્યા આપી પ્રશંસનીય કામગીરી કરી છે.