અમદાવાદ: 5 મે ના રોજ અમદાવાદ કમિશ્નર વિજય નહેરા બે કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવતા ખુદને બે અઠવાડિયા માટે હોમ કવોરેન્ટન થવાનો નિર્ણય કર્યો હતો. તેમની ગેરહાજરી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ. મુકેશકુમારને સોંપવામાં આવ્યો હતો.
જ્યારે અમદાવાદ શહેરમાં કોવિડ-19ની સમગ્ર કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ માટે વિશેષ અધિકારી તરીકે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી હતી. જ્યારે હવે મુકેશકુમારને જ મ્યુનિસિપલ કમિશ્નરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે અને વિજય નહેરાની બદલી ગાંધીનગર ગ્રામીણ વિભાગના કમિશ્નર તરીકે કરવામાં આવી છે.
મહત્વનું છે કે, જ્યારથી વિજય નહેરા ગયા હતાં, ત્યારથી જ કોર્પોરેશનના વર્તુળમાં આ વાત ઉડવા લાગી હતી કે, તેઓ ખરેખર પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવીને કોરોન્ટીન થયા છે કે કરવામાં આવ્યાં છે. કોરોન્ટાઈન થયાના ત્રણ દિવસ બાદ જ્યારે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો ત્યારે પણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ ચાર્જ લઇને મ્યુનિસિપલ કમિશ્નર તરીકે પરત ફરવાના હતા, પરંતુ તે વાતને 10 દિવસ થયા હોવા છતાં પરત ફર્યા ન હતા ત્યારથી જ શંકા ના સંકેતો મળી રહ્યા હતાં.