કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, કોઈએ મોઢામાં આંગળી કરી તો છોડીશ નહીં અને બેઠકના નામ અને સોદા સાથે બધાને ખુલ્લા પાડીશ. છેલ્લા એક વર્ષથી આ પરિસ્થિતિ ઉભી થઇ છે. વર્ષ 2017ની ચૂંટણીમાં ઠાકોર સેનાએ પાર્ટીને સમર્થન કર્યું હતું. પાર્ટીના જનાધારમાં ઘટાડો થયો ત્યારે અમે પાર્ટીને મદદ કરી. ઠાકોર સેનાના કારણે કોંગ્રેસના 43 ધારાસભ્ય જીત્યા તેનું હું લિસ્ટ આપી શકું તેમ છું.
અલ્પેશે જણાવ્યું હતું કે, અમને ભાજપના એજન્ટ ન ગણતા ટિકિટ વહેંચાઈ છે. બે પાંચ લોકો કબ્જો જમાવીને બેઠા છે. 'એક મહિનામાં પ્રભારીએ સારી રીતે વાત કરી નથી. અમે આવનારા સમયમાં તાકાત બતાવીશું. કોંગ્રેસના પ્રદેશ મોવડી મંડળ અને પ્રભારીના કારણે રાજીનામું આપ્યું છે. વર્ષ 2022 ગુજરાતનો નાથ અમે જ આપીશું.
બીજી બાજુ અલ્પેશ ઠાકોરની રાજકીય લાઈફ લાઈન ગણાતી ઠાકોર સેનામાં પણ આંતરિક વિખવાદ ઉભો થતાં અલ્પેશ ઠાકોરનું ભાજપમાં જોડાવાનું સપનું હાલ રોળાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ દરમિયાન ભાજપના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, અલ્પેશ ઠાકોરના ભાજપ પ્રવેશ સામે માત્ર બનાસકાંઠા ભાજપના ઠાકોર આગેવાનો જ નહીં, પરંતુ ગુજરાતના મોટાભાગના ઠાકોર આગેવાનોએ ભાજપના પ્રદેશ નેતાઓને મળીને અલ્પેશ ઠાકોરને ભાજપમાં ન લેવા રજૂઆત કરી છે.