અમદાવાદ : ગુજરાતમાં શિયાળાની હળવી ઠંડીની શરૂઆત સાથે બપોર બાદ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે કમોસમી વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ અંગે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 થી 27 નવેમ્બરના સમયગાળા દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. જેમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આગાહી કરવામાં આવી છે.
કમોસમી વરસાદની આગાહી : હવામાન વિભાગની ગુજરાતમાં માવઠાની આગાહી પગલે ફરી એકવાર વરસાદની સંભાવનાથી ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે, પૂર્વીય પવનોથી આવતા ભેજના કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાં સાયકલોન ટ્રફ સક્રિય થતાં માવઠું થઈ શકે છે. 24 થી 27 નવેમ્બરના સમયગાળા દરમિયાન ભેજનું પ્રમાણ વધશે જેના કારણે સામાન્યથી મધ્યમ કમોસમી વરસાદ થશે. ત્યારબાદ 3 થી 4 દિવસ પછી તાપમાન ઘટવાનું શરૂ થશે.
કયા વિસ્તારમાં થશે માવઠા : હાલમાં શિયાળાની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે અને ખેડૂતો શિયાળુ પાક તૈયાર કરવામાં લાગી ગયા છે. ત્યારે આ બાબતે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદની આગાહી છે. ઉપરાંત રાજ્યના અન્ય કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ, વડોદરા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ખેડૂતો ચિંતામાં મૂકાયા : ગુજરાતના માથે કુદરતી આફતો એક પછી એક આવી રહી છે. જેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. થોડા મહિના અગાઉ ચક્રવાતના કારણે ગુજરાત પર ખતરો ઊભો થયો હતો. ત્યારબાદ ચોમાસાએ કહેર વર્તાવ્યો હતો અને હવે કમોસમી વરસાદને કારણે ગુજરાતમાં વધુ એક કુદરતી આફતનો ભોગ બનવું પડે તેવા સંજોગો ઉભા થયા છે. જોકે પશ્ચિમ બંગાળમાં સર્જાયેલા સાયકલોન ટ્રફને લીધે ગુજરાતમાં કમોસમી વરસાદ થશે તો ખેડૂતોને નુકસાન ઉઠાવવાનો વારો આવી શકે છે.