સીદી સૈયદની મસ્જિદ અમદાવાદમાં મુઘલ કાળમાં બનેલી મોટી મસ્જિદ પૈકીની છેલ્લી મસ્જિદ છે. અહીંની પશ્ચિમની દીવાલની બારીઓની કોતરેલી જાળીઓ વિશ્વભરમાં જાણીતી છે. આ મસ્જિદ અમદાવાદ શહેરનું પ્રતીક અને ઓળખ છે. એકમેકમાં ગૂંથાયેલી શાખાઓ ધરાવતા વૃક્ષને દર્શાવતી કોતરણી જરદોશી કામ જેવી લાગે છે. અલબત્ત નક્કર પથ્થરમાંથી તે બનાવવામાં આવી છે. જામા મસ્જિદ કરતાં ઘણી નાની અને પ્રાંગણ વિનાની હોવા છતાં આ મસ્જિદની કોતરણી તેને વિશ્વભરમાં બેનમૂન બનાવે છે.
કહેવાય છે કે, ગુજરાતમાંથી જ્યારે મુઘલ સલ્તનત જઈ રહી હતી. તે સમયે આ બેનમૂન મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સીદી સૈયદની જાળી અમદાવાદ સાથે એટલી હદે જોડાયેલી છે કે, IIM અમદાવાદમાં પણ સીદી સૈયદની જાળી એક સિમ્બોલ બની ગયું છે. પ્રથમ નજરે આ જાળીને જોતા એમ લાગે કે, ખજૂરીના ઝાડની ડાળીને પથ્થરો વચ્ચે ગોઠવીને ફિટ કરી દીધી છે. પરંતુ રેતિયા પથ્થરોથી કંડારાયેલી કલાત્મક જાળી છે. અમદાવાદમાં આવતા વિદેશી નાગરિકો સીદી સૈયદની જાળીની અચૂક મુલાકાત લેય છે. સીદી સૈયદની જાળી શહેરના સ્મૃતિચિહ્ન તરીકે પ્રસ્થાપિત થઈ છે.
અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો પણ મહેમાનોને આ જાળીની પ્રતિકૃતિ ભેટમાં આપે છે. અમદાવાદની ઓળખનાં ચિહ્નો તરીકે સ્થાપિત થયેલી જાળીની પ્રતિકૃતિ બહારથી આવતા મુલાકાતીઓ તેમની સાથે લઈ જાય છે.