અમદાવાદ: ભારતીય રેલવે નવા ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ખૂબ જ ઝડપથી આગળ કામ કરી રહ્યું છે. જેમાં અંતર્ગત દેશના રેલવે સ્ટેશનને વિશ્વ કક્ષાની સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે વધુ 500 રેલવે સ્ટેશનને પુનઃ વિકાસ માટે શિલાન્યાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ શહેરના મણિનગર, ચાંદલોડિયા, વટવા અને અસારવા રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે.
નવું સ્ટેશન થશે તૈયાર: નવા તૈયાર થનાર રેલ્વે સ્ટેશનમાં અત્યાઆધુનિક પેસેન્જર સુવિધાઓ તેમજ હાલની સુવિધાઓને અપગ્રેડિટેશન તેમજ રિપ્લેસમેન્ટ હશે. રેલ્વે સ્ટેશન સુધી સરળ રીતે પહોંચવું, વધુ સારી લાઇટિંગ વ્યવસ્થા, વધુ સારું પરિભ્રમણ, પાર્કિંગ સુવિધા, દિવ્યાંગનોને અનુકૂળ ટોયલેટ, ઇન્ટ્રા ગ્રીન એનર્જીનો ઉપયોગ, ફ્રી વાઇફાઇ, પીવાના પાણીનો સુવિધા, બુકીંગ ઓફિસ અને પર્યાવરણને અનુકૂળ ઈમારત જેવી અલગ અલગ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત રેલવેનું સમયપત્રક તેમજ રેલવે સ્ટેશનમાં સ્થાનિક કલા તેમજ સંસ્કૃતિઓ પણ જોવા મળશે.
12 ટ્રેનનું સંચાલન: અસારવા રેલવે સ્ટેશનથી હાલ બાર જેટલી ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. અસારવા- ઉદયપુર ઇન્ટરસિટી, હિંમતનગર -અસારવા ડેમુ, જયપુર -અસારવા સુપરફાસ્ટ, અસારવા- ચિત્તોડગઢ ડેમુ, અસારવા -ઈન્દોર એક્સપ્રેસ, અસારવા- ઈન્દોર એક્સપ્રેસ જેવી ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કોટા- અસારવા અને અસારવાથી કોટાનું સાપ્તાહમાં બુધવાર અને શનિવારના રોજ સંચાલન કરવામાં આવે છે. આ રેલવે સ્ટેશનમાં બંને બાજુ યાત્રિકો પ્રવેશ કરી શકે તેમ જ બહાર નીકળી શકે તેવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે. આ નવા તૈયાર થનાર રેલ્વે સ્ટેશનમાં કુલ ત્રણ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે.
50 વર્ષને ધ્યાનમાં લઈ નિર્ણય: ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના 21 જેટલા રેલ્વે સ્ટેશનનોનો પુનઃવિકાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાંથી અમદાવાદ શહેરના મણિનગર, વટવા, અસારવા અને ચાંદલોડિયા રેલવે સ્ટેશનને રીડેવલપ કરવામાં આવશે. આ તમામ રેલવે સ્ટેશનમાં વિશ્વ કક્ષાની સુવિધાઓ તેમજ કુદરતી વાતાવરણ ઊભું કરવામાં આવશે. આ તમામ રેલ્વે સ્ટેશનને આગામી 50 વર્ષને ધ્યાનમાં રાખીને પુનઃવિકાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.