અમદાવાદ : શહેરમાં વધુ એક વાર દહેજના દાનવોએ પરિણીતાનો ભોગ લીધો હતો. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોતામાં સાસરિયાઓની માંગથી કંટાળી પરિણીતાનો આપઘાત સામે આવ્યો છે. સાસરીયાઓના ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં યુવતીના પતિ સહિત ચાર સાસરીયાઓ સામે આત્મહત્યા દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
લગ્નના ત્રણ માસ બાદથી શરુ થયો ત્રાસ : અમદાવાદના ગોતા નજીક આવેલી વસંતનગર ટાઉનશીપમાં રહેતા મહિલાએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓની દીકરીના લગ્ન 2021 માં મહેસાણાના કડીમાં રહેતા રાજુભાઈ સેનમાં સાથે થયા હતા. લગ્નના થોડાક સમય બાદ તેઓની દીકરી જમાઈ સાથે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેવા આવી હતી. શરૂઆતમાં તેમની દીકરીને જમાઈએ અને સાસરિયાઓ દ્વારા સારી રીતે રાખવામાં આવતી હતી. પરંતુ ત્રણ મહિના બાદથી તેઓની દીકરીને પતિ દ્વારા નાની નાની બાબતોમાં ઝઘડો કરવાનો શરૂ કરવામાં આવ્યો હતો. સાસુ સસરા તેમજ જેઠ દ્વારા અવારનવાર તેને દહેજ બાબતે મેણાટોણા મારીને ત્રાસ આપવામાં આવતા યુવતી આ બાબતે પતિને જાણ કરતી. એમાં પતિ માતાપિતાનું ઉપરાણું લઈને તેની સાથે ઝઘડો કરતો હતો.
આ પણ વાંચો આધુનિક યુગમાં દહેજે ફરી એક વાર લીધો મહિલાનો ભોગ
દીકરીનો સંસાર બચાવવા માતા દહેજની માગણીઓ પૂરી કરતી રહી : જેના કારણે અવારનવાર તે માતાને ફોન કરીને જાણ કરતી હતી, જોકે દીકરીનો સંસાર ન તૂટે તે માટે ફરિયાદીએ જમાઈને ત્રણ તોલા સોનાના હાર બુટ્ટી, સોનાનું લોકેટ, સોનાની વીંટી, પાયલ તેમજ 26,000 નો મોબાઈલ અને સ્કૂટરનું ડાઉન પેમેન્ટ સહિતની ચીજ વસ્તુઓ આપી હતી. જ્યારે જ્યારે તેઓ ચીજવસ્તુઓ આપતા ત્યારે ત્યારે દીકરીના પતિ અને સાસરિયાઓ દ્વારા ઝઘડો કરવામાં ન આવતો હતો અને જે બાદ અન્ય ચીજ વસ્તુઓની માંગણી કરીને ઝઘડો કરવામાં આવતો હતો. જે બાદ દીકરીના પતિ તેમજ સાસુ સસરાને ચાંદલોડિયાના મકાનનું ભાડું પોસાતું ન હોય નવું ઘર લેવા માટે યુવતીના માતાપિતા પાસે પૈસા માંગવામાં આવતા હતા અને પૈસા ન આપે તો દીકરીને ત્રાસ આપવામાં આવતો હતો.
આ પણ વાંચો વિકાસની પરિભાષા કહેવાતા ગુજરાતમાં 3 વર્ષમાં દહેજથી કંટાળીને 184 યુવતિઓએ આત્મહત્યા કરી
પિતાએ કરી વાત : પરિણીતા સાયન્સ સિટી ખાતે એમ્પાયર બિલ્ડિંગમાં આવેલી કંપનીમાં નોકરી કરતી હતી. 10મી જાન્યુઆરી 2023 ના રોજ સાંજના સમયે પરણિતાને તેના પિતાએ ફોન કરતા દીકરી ઘરે જઈ રહી હોવાનું જણાવ્યું હતું, જે બાદ તેઓએ દીકરી ઘરે પહોંચી છે કે કેમ તે બાબતે ફોન કરતા દીકરીએ ફોન ઉપાડ્યો ન હતો, જેથી તેઓએ જમાઈને ફોન કરતા તેઓએ પત્ની ફોન ન ઉપાડતી હોવાનું જણાવ્યું હતું.
ઘરમાં ફાંસો ખાઈ લીધો : થોડાક સમય દીકરીના સસરાએ ફોન કરીને ઘરે બોલાવતા તેઓ ગયાં હતાં. દીકરીના ઘરે જઈને જોતા દીકરીએ ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી આ સમગ્ર મામલે પરિણીતાની માતાએ દીકરીના પતિ, સાસુ સસરા અને જેઠ સામે આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા સોલા હાઈકોર્ટ પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
ગુનો નોંધી તપાસ શરુ કરાઇ : આ સમગ્ર મામલી સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ જીગ્નેશ અગ્રાવતે ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલે મોડી રાત્રે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવી છે.