અમદાવાદ : જિલ્લાના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મહિજડા ગામમાં બે માસ પહેલા મહિલાની થયેલી હત્યા મામલે ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ મામલે ગ્રામ્ય LCBની ટીમે આરોપીની ધરપકડ કરી લૂંટ વિથ મર્ડરના ગુનાનો પર્દાફાશ કર્યો છે. આરોપીએ મહિલાની હત્યા કર્યા બાદ તેના શરીર પરના દાગીનાની લૂંટ ચલાવી હતી.
શું છે સમગ્ર મામલો : અમદાવાદ ગ્રામ્યના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મહિજડા ગામની સીમમાં 24મી માર્ચ 2023ના રોજ હાર્દિકભાઈ પટેલના લીલગીરી વાળા ખેતરમાં 45 વર્ષીય મહિલાની મૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં લૂંટ કરવાના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે બાબતને લઈને અમદાવાદ ગ્રામ્ય LCBની ટીમે તપાસ કરી મૃતકની ઓળખ કરી હતી અને તે ખેડા જિલ્લાના બીડજ ગામની જશીબેન ઠાકોર હોવાનું સામે આવ્યું હતું.
કેવી રીતે હત્યાને લૂંટ કરી : જે બાદ ગ્રામ્ય LCB ટીમે વધુ તપાસ કરતા આ હત્યા અને લૂંટને અંજામ આપનાર આરોપીને ઓળખી તેની ધરપકડ કરી છે. આ મામલે રાજેશ ઉર્ફે પિન્ટુ રાવળ નામના ખેડાના યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ધરપકડ કરી પૂછપરછ જ કરતા તેણે મહિલાનું ગળું તેમજ નાક દબાવી હત્યાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. તેમજ મહિલાએ શરીરે પહેરેલા ચાંદીના દાગીના અને મોબાઈલ ફોનની લૂંટ કરી હોવાની કબુલાત કરતા આ મામલે આરોપીની ધરપકડ કરી અસલાલી પોલીસને સોંપવામાં આવ્યો છે.
આ ઘટના બની તે બાદ LCBની ટીમે અલગ અલગ રીતે તપાસ કરી અંતે આરોપીની ધરપકડ કરી તેને પૂછપરછ કરતા તેણે આ ગુનાની કબૂલાત કરી છે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. - ભાસ્કર વ્યાસ (DYSP, અમદાવાદ ગ્રામ્ય)
આરોપીની દાનત બગડી : આ અંગે આરોપીની તપાસ કરતા સામે આવ્યું હતું કે, આરોપી ઘટના બની તે દિવસે પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો. તે સમયે મૃતક મહિલાએ આરોપી પાસેથી લિફટ માંગી હતી અને જે બાદ બંને અસલાલી રીંગરોડથી મહિજડા ગામ તરફ ગયા હતા. મહિલાએ પોતાના શરીર ઉપર દાગીના પહેરેલા હોવાથી આરોપીની દાનત બગડી હતી અને તેણે આ ગુનાને અંજામ આપ્યું હતું.