અમદાવાદથી મુંબઈ વચ્ચેનું અંતર તેજસ ટ્રેન 200 કિલોમીટરની સ્પીડે કાપશે. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, વાપી, સુરત, બોરીવલી અને મુંબઈ સ્ટોપ આપવામાં આવશે. આ તેજસ ટ્રેનનું સંચાલન IRCTC કરશે. જેની ટિકિટથી લઈને તમામ સુવિધાઓ IRCTC દ્વારા આપવામાં આવશે. આ ટ્રેન એક સપ્તાહમાં છ દિવસ દોડાવવામાં આવશે અને દર ગુરૂવારે ટ્રેનને વિરામ આપવામાં આવશે.
ભારતીય રેલ્વેમાં ખાનગીકરણની શરૂઆત, ટૂંક સમયમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે આધુનિક તેજસ ટ્રેન દોડશે. તેજસ ટ્રેન 6-30 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચશે. અમદાવાદથી રોજ સવારે 6:40 કલાકે ઉપડશે અને 13:10 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે, ત્યાર બાદ મુંબઈથી 15:40 કલાકે ઉપડીને 21:55 કલાકે અમદાવાદ ખાતે પહોંચશે. ટ્રેનનું બુકિંગ IRCTCની વેબસાઈટ પરથી થશે. શતાબ્દી રાજધાની ટ્રેનની મુજબ ડાયનામીક ચાર્જ પણ લેવામાં આવશે. ટ્રેનમાં કોઈને કોઈ પણ પ્રકારનો કન્સેસન મળશે નહીં. આ ટ્રેનમાં પાંચ વર્ષથી વધુના વય માટે આખી ટિકિટ ફરજિયાત લેવામાં આવશે.
IRCTC દ્વારા નિયત કરેલી ફીમાં ડોર ટુ ડોર લગેજ પીકપ અને ડ્રોપની સુવિધા આપશે. આ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ટ્રેનમાં એક્ઝિક્યુટિવ અને ચેર કાર્ડ સેટિંગ હશે. તેમજ આ ટ્રેનમાં રેલ હોસ્ટેસ પણ જોવા મળશે. આ ઉપરાંત 20 લાખ રૂપિયા સુધીનો વીમો પણ ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવશે. ટ્રેનમાં મૂવી સ્ક્રિનિંગ, લાયબ્રેરી સહિતની સુવિધાઓ આપવામાં આવશે. આ ટ્રેન નવેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં શરૂ થાય તેવી શક્યતા છે.