અમદાવાદઃ શહેરમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જે કારણે આગામી 15 ઓગસ્ટ સુધી રાશન કાર્ડની તમામ 15 ઝોનલ કચેરીઓ પર નવું બારકોડેડ રાશન કાર્ડ કાઢવું, નામ કમી કરવું કે ઉમેરવું અથવા રાશન કાર્ડમાં સુધારો વગેરે તમામ પ્રકારના કામો બંધ રહેશે.
કાલુપુર ઝોનમા પુરવઠા કચેરીના કમ્પ્યુટર ઓપરેટરને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમજ તમામ ઝોનલ કચેરીઓમાં 500 જેટલા અરજદારોની ભીડ થતા સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમોનું પાલન થતું નથી અને વળી ઘણા લોકો માસ્ક પણ પહેરતા નથી અને ઝઘડા કરે છે.
આ અગાઉ પણ રાશન વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકો કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે, ત્યારે આ લોકો સુપર સ્પ્રેડર ન બને તે બાબતને ધ્યાનમાં રાખીને પુરવઠા વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.