અમદાવાદઃ શહેરમાં જાણે કે, ડ્રગ્સની હેરાફેરી સામાન્ય બની ગઈ હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી છે. હજી એક દિવસ પહેલા જ SOGએ દાણીલીમડાથી MD ડ્રગ્સ સાથે આરોપીઓ ઝડપ્યા હતા. ત્યાં ફરી એક વાર શહેરમાં ડ્રગ્સ વેચાણ માટે લઈને આવનારા 3 શખ્સોને લાખોની કિંમતના મેફેડ્રોન સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો MD Drugs Case Ahmedabad: સરસપુરમાંથી 5 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો
19 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજેઃ અમદાવાદ શહેર એસઓજી ક્રાઈમે 118 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે 3 આરોપીઓની ઇન્દિરા બ્રિજ સર્કલ પાસેથી ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 11,81,000 રૂપિયાની કિંમતના ડ્રગ્સની સાથે કાર સહિત 19,00,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આરોપીઓ રાજસ્થાનથી લાવ્યા હતા ડ્રગ્સઃ આ મામલે SOG ક્રાઈમે સરદારનગરના હિમેશ ગારંગે, મોનેશ ગારંગે તથા ચાણક્ય ઘમંડે નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓ આ એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી લાવ્યા હોવાની કબૂલાત કરી છે.
દારૂની સાથે ડ્રગ્સનો વેપલોઃ અમદાવાદ શહેર એસઓજી ક્રાઈમે ઝડપેલા ત્રણેય આરોપીઓ મૂળ અમદાવાદ શહેરના સરદારનગરની અંદર આવેલા છારાનગર તથા કુબેરનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, આ ત્રણેય આરોપીઓ છેલ્લા થોડાક સમયથી નાર્કોટિક્સના ધંધામાં એક્ટિવ થયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જ્યારે આ ત્રણ આરોપીઓમાંથી 2 આરોપી હિમેશ અને મોનેશની માતા સપના સરદારનગરની લિસ્ટેડ બૂટલેગર હોવાનું સામે આવ્યું હતું. તેમ જ તે દારૂના ધંધામાં આવતા ગ્રાહકોને દારૂની સાથે MD ડ્રગ્સ પિરસી તેઓને બરબાદ કરવાનું કામ કરતી હોવાનું ખુલ્યું છે.
આરોપી ગેહલોતને પકડવા તજવીજ શરૂઃ SOG ક્રાઈમે ઝડપેલું લાખો રૂપિયાની કિંમતનું MD ડ્રગ્સ રાજસ્થાનથી લાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસનું પણ એકંદરે માનવું છે કે, રાજસ્થાનથી MD ડ્રગ્સનો જથ્થો બહુ ઓછી વખત આવતો હોય છે. એટલે પેડલરોએ હવે રાજસ્થાનનો રૂટ પસંદ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. આ આરોપીઓને ડ્રગ્સ આપનારા રાજસ્થાનના અજય ગેહલોત નામના આરોપીને પકડવા કવાયત તેજ કરાઈ છે.