અમદાવાદ : શહેરમાં ફરી એકવાર ચીલઝડપની ઘટના સામે આવી છે. આંગડિયા પેઢીમાંથી પૈસા લઈને પસાર થઈ રહેલા એકાઉન્ટન્ટને એક મોટરસાઇકલ પર આવેલા દંપત્તિએ રોકી બોલાચાલી કરી હતી. ત્યારે ફરિયાદીની પાછળ બેઠેલા પટ્ટાવાળાના હાથમાં રહેલા 25 લાખ રૂપિયા ભરેલા થેલાને આંચકી બંને જણા ફરાર થયા હતા. આ સમગ્ર બાબતે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે.
દિન દહાડે ચીલઝડપ : અમદાવાદના વેજલપુરમાં રહેતા વિજય ગોહિલે આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેઓ બોડકદેવ ખાતે બી. પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં 23 વર્ષથી એકાઉન્ટન્ટ તરીકેની નોકરી કરે છે. તેઓ ક્યારેક કંપનીનું આંગડિયા પેઢી તેમજ બેંકને લગતું પણ કામકાજ કરતા હોય છે. 5 સપ્ટેમ્બર 2023 ના રોજ સાંજના સમયે નવરંગપુરા ખાતે આવેલી વી. પટેલ આંગડિયા પેઢીમાંથી તેઓની ઓફિસે ફોન આવ્યો હતો કે, તમારું 25 લાખનું આંગડિયુ આવ્યું છે જે મેળવી લો. જેથી તેઓ પોતાની ઓફિસેથી એકટીવા લઈને ઓફિસમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા બીરેન્દ્ર બીષ્ટને પોતાની સાથે પૈસા લેવા માટે ગયા હતા.
આ ઘટના અંગે ગુનો દાખલ કર્યા બાદ સીસીટીવી ફૂટેજ અને અન્ય બાબતો અંગે તપાસ કરી પુરાવાઓ એકત્ર કરી ગુનામાં સામે આરોપીઓને પકડી પાડવા માટે ટીમો કામે લગાડવામાં આવી છે. -- હરીશકુમાર કણસાગરા (ACP, બી ડિવિઝન-અમદાવાદ)
25 લાખ છીનવી લીધા : સાંજે 4:15 વાગ્યા આસપાસ 25 લાખ રૂપિયા આંગડિયા પેઢીમાંથી મેળવી પોતાના પાસેના થેલામાં મૂકી તે થેલો બિરેન્દ્ર બીષ્ટના હાથમાં પકડાવ્યો હતો. જ્યારે તેઓ એકટીવા ચલાવતા હતા. સી.જી રોડથી નીકળી ગુલબાઈ ટેકરા થઈને પાંજરાપોળ ચાર રસ્તાથી આઇઆઇએમ તરફ પસાર થતા હતા. તે દરમિયાન પોણા પાંચ વાગ્યાની આસપાસ જાહેર રોડ ઉપર તેઓની પાછળ એક મોટરસાયકલ પર એક પુરુષ અને સ્ત્રી આવ્યા હતા. જેઓએ તેઓની એકટીવા પાસે પોતાની બાઈક લાવી બોલાચાલી કરી હતી.
આરોપી દંપતી ફરાર : ત્યારબાદ અચાનક પાછળ બેઠેલા પટાવાળા બીરેન્દ્ર બીષ્ટના હાથમાંથી બાઈક ચાલકે 25 લાખ રૂપિયા ભરેલો થેલો ઝૂંટવીને તેની પાછળ બેઠેલી મહિલાને આપી દીધો હતો. ત્યારબાદ બંને જણા મોટરસાયકલ લઈને પાંજરાપોળ તરફ ભાગી ગયા હતા. તે મોટરસાયકલ ચાલક 45 વર્ષની ઉંમરનો હોય અને માથે હેલ્મેટ પહેર્યું હતું. જ્યારે તેની પાછળ બેઠેલી સ્ત્રીએ પંજાબી ડ્રેસ પહેર્યો હતો. બંને જણા ફરાર થઈ જતા સમગ્ર બાબતે તેઓએ કંપનીના ડાયરેક્ટરને જાણ કરી હતી. આ બાબતે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે.