અમદાવાદઃ કૃષ્ણનગર પોલીસે પકડેલા POCSOના આરોપીને સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. આરોપી ભાવેશ મગનભાઈ પગીને POCSOના ગુના હેઠળ સજા ફટકારવામાં આવી છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પી.આઇ એ.જે.ચૌહાણ અને સ્ટાફની મહેનત રંગ લાવી છે. પોલીસે કરેલી ઘનિષ્ઠ તપાસ બાદ આ કેસમાં તેમને સફળતા હાથ લાગી છે. સેશન્સ કોર્ટે 20 વર્ષની સજાનો હુકમ કરીને ગુનેગારોમાં દાખલો બેસાડ્યો છે.
સેશન્સ કોર્ટે કડક વલણ અપનાવ્યુંઃ અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 16 વર્ષની સગીરા ઘરેથી ગુમ થઈ ગઈ હતી. આ મામલે અપહરણ અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપી ભાવેશ પગી સગીરાને લઈને ભાગી ગયો હોય તેવી હકીકત સામે આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં કોર્ટે આરોપીને ગુનેગાર ઠેરવી 20 વર્ષ કેદની સજા ફટકારી છે. સેશન્સ કોર્ટ ગુનો સાબિત થતાં કોઈ પ્રકારની નરમાઈ વર્તી નહતી અને કડક વલણ અપનાવતા ગુનેગારને સજા કરી છે.
ગુનેગારો પોક્સો એક્ટની ગંભીરતા સમજે તે આવશ્યકઃ સગીરાનું અપહરણ કરી તેના પર બળાત્કારના કિસ્સા સમાજમાં વધી રહ્યા છે. આ સમયે સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવેલી સજાને લીધે ગુનેગારો ફફડી ઊઠ્યા છે. બદઈરાદો ધરાવતા ઈસમો હવે કોઈપણ ગુનો કરતા પહેલા બે વાર વિચાર કરશે. પોકસો એક્ટની ગંભીરતા અને તેના કડક અમલને પરિણામે યૌન શોષણના ગુનાઓ આચરતા આરોપીઓ હવે કાયદાથી ડરીને ચાલશે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. સગીરાના સમગ્ર પરિવાર અને કોર્ટમાં હાજર સૌએ કોર્ટના આ હુકમને ઉત્સાહથી વધાવી લીધો હતો.