અમદાવાદ: સરદારનગર વિસ્તાર દિવસે ને દિવસે ગુનેગારોનો અડ્ડો બનતો જતો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં જ SMC એ દારૂ સાથે 3 શખ્સોની ધરપકડ કરી હતી ત્યાં હવે તેજ વિસ્તારમાં એક યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. શાકભાજીની લારી ચલાવતા યુવકને માથામાં પાઇપ મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા આ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
શું બન્યો બનાવ?: સરદારનગરમાં શાકભાજીની લારી ચલાવતા 2 વ્યક્તિ વચ્ચે કેટલાય ઘણાંથી લારી ઉભી રાખવા બાબતે તકરાર ચાલતી હતી. સરદારનગરમાં રહેતા વિનોદ બબાનીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે, તે સરદારનગરમાં મ્યુનિસિપલ બગીચા પાસે શાકની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમનો ભાઈ દિલીપ પણ શાકની લારી ચલાવે છે. દિલીપના 8 વર્ષ અગાઉ છૂટાછેડા થયા હોવાથી તે વિનોદભાઈની સાથે રહે છે. દિલીપ બબાનીને અગાઉ અલકેશ પટણી નામના યુવક સાથે શાકની લારી ઉભી રાખવા મુદ્દે ઝગડો થયો હતો.
હત્યાની ફરિયાદ: 23મી જૂને રાતના સમયે લારી ઉભી રાખવા બાબતે બંને વચ્ચે ફરી ઝગડો થતા અલકેશ પટણીએ દિલીપને માથામાં લોખંડની પાઇપ મારી હતો. અન્ય એક લારીવાળાએ વિનોદ ભાઈને જાણ કરતા તેઓ ત્યાં પહોંચતા ભાઈ લોહીથી લથપથ હાલતમાં હતો. જેથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન દિલીપનું મોત થયું હતું. વિનોદે બબાનીએ આ મામલે અલકેશ પટણી વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે.
'મારા ભાઈની અલ્પેશ પટણીએ પાઇપથી ફટકા મારીને મોતને ઘાટ ઉતાર્યો છે અને તેની પોલીસે ધરપકડ કરી છે ત્યારે મારા ભાઈને ન્યાય મળે તે જરૂરી છે અને આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ.' -વિનોદ બબાની, મૃતકના ભાઈ
આરોપીની પૂછપરછ: આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનના PI રશ્મિન દેસાઈએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ અંગે ફરિયાદ નોંધાતા જ એરપોર્ટ પોલીસે ગુનામાં સામે આરોપી અલ્પેશ પટણીની ધરપકડ કરી છે અને તેને મેડિકલ સારવાર કર્યા બાદ કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ઝઘડા પાછળનું કારણ શું હતું અને કેટલા સમયથી મૃતક અને આરોપી વચ્ચે ઝઘડો ચાલતો હતો તે દિશામાં પકડાયેલા આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.