અમદાવાદઃ ગાંધીનગર જ નહી પરંતુ ગુજરાતની તમામ આરટીઓમાં એજન્ટોએ પગ પેસારો કર્યો છે અને 10-15 હજાર રૂપિયા લઈને આરટીઓમાં નાનાથી લઈને મોટામાં મોટા કામ કરાવી આપે છે. સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે આરટીઓમાં સેટિંગવાળા કામો કઈ રીતે થાય છે. ગાંધીનગર આરટીઓમાં ઝડપાયેલા કૌભાંડમાં સામેલ આરોપીઓમાં એજન્ટની સાથે આરટીઓ ઈન્સ્પેક્ટર પણ સામેલ હતા. તેવી જ રીતે અન્ય આરટીઓ કચેરીમાં પણ નીચેના ટેબલથી ઉપરના ટેબલ સુધી સેટિંગ હોવાની વાતો એજન્ટ ખાનગીમાં કબૂલે છે.
ડ્રાઈવિંગ લાયસન્સ કઈ રીતે મળે છેઃ સામાન્ય સંજોગોમાં કોઈ પણ વ્યક્તિને ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવું હોય તો તે જરૂરી પુરાવાઓ સાથે ઓનલાઈન અરજી કરે છે. બાદમાં કોમ્પ્યુટર એક્ઝામ લેવામાં આવે છે. જેમાં પાસ થયા બાદ તેને લર્નિંગ (કાચુ) લાયસન્સ મળે છે. ત્યારબાદ પાકા લાયસન્સ માટે આરટીઓમાં તૈયાર કરાયેલા એક ખાસ ટેસ્ટ ટ્રેક વાહન ચલાવી યોગ્ય નિયમો અનુસાર પાસ થવું પડ છે. પછી જ પાકુ લાયસન્સ તૈયાર થાય છે. આ કાયદેસરની પ્રક્રિયા પાછળ અંદાજે 1000 થી 1500 રૂપિયાનો ખર્ચ થાય છે.
ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કઈ રીતે બન્યાઃ ગાંધીનગર આરટીઓ અમદાવાદથી સૌથી નજીક છે અને અમદાવાદ શહેરમાં અગાઉ પોલીસ દ્વારા કરાયેલી કામગીરીને પગલે એજન્ટોમાં ડર હોવાથી જે અરજદારોને સેટિંગ કરી લાયસન્સ લેવું હોય તેમના માટે ટ્રેક ટેસ્ટની જગ્યા ગાંધીનગર પસંદ કરવામા આવે છે. ગાંધીનગર ખાતે સેટિંગ કરીને એન્ટ્રી માત્ર સારથી સોફ્ટવેરમાં કરવામાં આવે છે. જોકે લોકલ સોફ્ટવેરમાં આ બાબતની કોઈ પણ એન્ટ્રી કરવામાં આવતી નથી. આ સેટિંગ માટે અરજદારો પાસેથી મોટી રકમ પડાવવામાં આવે છે.જોકે અરજદારો દ્વારા વારંવાર એજન્ટ પાસે જતા તેઓને લાયસન્સ ન મળતા અંતે બાબતનો ભાંડો ફુટ્યો છે.
ફિઝિકલ ટેસ્ટમાં પણ એજન્ટોનું સેટિંગઃ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે આરટીઓની ફીઝિકલ ટેસ્ટ આપવી અને પાસ કરવી ફરજિયાત હોય છે. તેમાં પણ એજન્ટોએ રસ્તો શોધી કાઢ્યો. આરટીઓ ઈન્સ્પેક્ટર સાથે ગોઠવણ કરીને જે અરજદારો ટેસ્ટ આપવા આવ્યા અને નાપાસ થયા હોય તેવા અરજદારોની સોફ્ટવેરમાં એન્ટ્રી પર કરામત કરવામાં આવે છે. સોફ્ટવેરમાં ક્વેરી નામનું એક ઓપશન આવે છે, જે ઓપશન થકી ફેરફાર કરી શકાય તેની મદદથી નાપાસ થયેલા અરજદારને પાસ કરી દેવામાં આવે છે. અંતે અરજદારને લાયસન્સ મળી જાય છે. સાયબર ક્રાઈમે ગાંધીનગરથી જે લાયસન્સ કૌભાંડ ઝડપ્યું તેમાં 484 જેટલા લાયસન્સ આ રીતે કાઢ્યા હોવાની હકીકત સામે આવી છે. જેમાં અનેક અરજદારો અમદાવાદનાં છે. ઉપરાંત ગાંધીનગર સિવાય બાવળા, બગોદરા અને ધોળકા આરટીઓમાં પણ અમદાવાદનાં અરજદારો દ્વારા અરજીઓ કરવામાં આવતી હોવાનં સામે આવ્યું છે. સાયબર ક્રાઈમે આ તમામ બાબતો અંગે પણ તપાસ હાથ ધરી છે.ગાંધીનગરમાં ઝડપાયેલા કૌભાંડમાં અરજદારની એપ્લીકેશનમાં લોગીન થયેલા આઈપી એડ્રેસ આરટીઓ કચેરીના ન હોવાનુ અને ખાનગી હોવાનું સામે આવ્યું હતું એટલે આ બાબતને લઈને પણ તપાસ ચાલુ છે.
સારથી સોફ્ટવેરમાં ડાયરેક્ટ એન્ટ્રી કરી અરજદારને ટેસ્ટ આપ્યા વિના પાસ કરવામા આવતા હતા, અને ટેસ્ટમાં જે નાપાસ થયા હોય તેવા અરજદારોને એસ્ક્યુએલમાં જઈને તેમાં ક્વેરી નામના ઓપ્શનમાં જઈને ક્વેરી દૂર કરવાના નામે અરજદારને પાસ કરી દેતા હોય છે. આ કેસમાં આઈડી પાસવર્ડ આરટીઓ ઈન્સ્પેક્ટર પાસે જ હોવા જોઈયે પરંતુ અન્ય વ્યક્તિ ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે...એમ.આર પરડવા(પીઆઈ, સાયબર ક્રાઈમ બ્રાંચ, અમદાવાદ)
શું એજન્ટ પ્રથા જડમૂળથી નાબૂદ થઈ શકે? આરટીઓમાં કોઈ પણ અરજદાર જાય તો આસપાસનાં 50 મીટરના એરિયામાં સરેરાશ 50-100 એજન્ટ મળી જ જાય છે. જે અરજદારો ફોર્મ ભરવાથી લઈને લાયસન્સ કઢાવવા અને આરટીઓને લગતા અન્ય કામે સરળતાથી કરાવી આપવાનું કહે છે. આ એજન્ટો અધિકારીએ સાથે ગોઠવણ કરીને પોતાના અને અધિકારીઓના ખીસ્સા ગરમ કરે છે. આરટીઓમાં એજન્ટો દ્વારા જે પણ કામ સેટિંગમાં કરવાના હોય છે તેના માટે એક ચોક્કસ દિવસ નક્કી કરવામાં આવે છે. જેની જાણ અરજદારોને ફોન કરીને આપવામાં આવે છે. હવે એજન્ટો દ્વારા આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરાવવા માટે પોતાના જ અલગ આરટીઓ જેવા જ ટેસ્ટ ટ્રેક તૈયાર કરી દેવાયા છે. જેમાં અરજદારને પાસ કેવી રીતે થવુ તે શિખવાડીને જ ટેસ્ટ આપવા માટે મોકલાય છે. જેમાં પાસ થાય તો અરજદારે એજન્ટને 4-5 હજાર રૂપિયા આપવા પડે છે અને નાપાસ થાય તો માત્ર 200-500 રૂપિયા ચુકવવાના હોય છે. તેથી જ્યાં સુધી અરજદારોને એજન્ટોની જરૂર પડતી રહેશે ત્યાં સુધી એજન્ટપ્રથા નાબૂદ થવી અશક્ય છે.