અમદાવાદ : શહેરમાં એક યુવક સામે તેની જ સાળી પર બળજબરી કરીને સંબંધ બાંધવા માટે દબાણ કરવા અંગે ફરિયાદ નોંધાઈ છે. મોટી દિકરીને જમાઈ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપતા દિકરીના પિતાએ નાની સગીર દિકરીને મોટી દિકરીના ઘરે જઈને ઘરના માહોલ વિશે માહિતી આપવા મોકલી હતી. જોકે ત્યાં સગીરાના બનેવીએ તેની નજીક આવવાનો પ્રયાસ કર્યો અને તેની સાથે બળજબરી કરી બળાત્કારનો પ્રયાસ કરતા અંતે આ મામલે નિકોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
શું છે સમગ્ર મામલો : આણંદ જિલ્લામાં રહેતા 43 વર્ષીય યુવકે આ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ તેઓને સંતાનમાં બે દિકરીઓ છે, જેમાં મોટી દિકરી સોનલ (નામ બદલેલ છે)ના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ 12 ફેબ્રુઆરી 2023ના રોજ નિકોલમાં ન્યુ ઇન્ડિયા કોલોની ખાતે રહેતા જીગ્નેશ (નામ બદલેલ છે) સાથે થયા છે. ફરિયાદીની નાની દિકરી જીનલ (નામ બદલેલ છે) 16 વર્ષની છે અને ધોરણ 12માં અભ્યાસ પૂર્ણ કર્યો છે.
નાની દિકરીને ઘરનું વાતાવરણ જાણવા મોકલી : ફરિયાદીની મોટી દિકરી સોનલના લગ્ન બાદ તે અમદાવાદ રહેવા આવી ત્યારથી પતિ સારી રીતે રાખતો ન હોય શારિરીક માનસિક ત્રાસ આપતો હતો. જે અંગે સોનલ પિતાને ફોન કરીને વારંવાર જણાવતી હતી. જેના કારણે ફરિયાદીએ તેઓની નાની દિકરી જીનલને થોડા દિવસ માટે મોટી દિકરી સોનલનાં ઘરે રહેવા અને ઘરનું વાતાવરણ જાણવા માટે નિકોલ મોકલી હતી. 14 માર્ચ 2023ના રોજ જીનલ બહેન બનેવીના ઘરે રહેવા નિકોલ ગઈ હતી, ધીરે ધીરે જીનલને જાણવા મળ્યું કે, બનેવી જીગ્નેશ અને તેના ઘરના માણસો મોટી દિકરી સોનલને ત્રાસ આપે છે. જેથી તેણે આ અંગે પિતાને જાણ કરી હતી.
આરોપીનું જાતીય વર્તન : જોકે તે સમયગાળા દરમિયાન જીનલના જીજાજી જીગ્નેશ તેની નજીક આવવાનો પ્રયત્ન કરતો હતો. તેમજ જીનલની એકલતાનો લાભ લેવા માંગતો હતો. અનેક વાર જીગ્નેશે સગીર સાળી જીનલ પાસે ન કરવાની માંગ કરી તેમજ જાતીય માંગણીઓ કરવાની શરૂ કરી હતી. આરોપીએ સાળી સાથે શારિરીક, મૌખિક અને ન હોય તેવું જાતીય વર્તન પણ કરતો હતો.
મોટી માટે નાની બહેન સહન કર્યું : જીનલ ન્હાવા જાય ત્યારે બનેવી તેની પર નજર બગાડી તેને નગ્ન હાલતમાં જોવાની કોશિશ કરતો હતો. તેમજ સગીર સાળી સાથે એકલતાનો લાભ લઈ પાછળથી પકડી સાળી સાથે શારીરિક અડપલાં કરતો અને પલંગ પર સુવડાવી ચુંબન કરવાનો પ્રયત્ન કરી જબરદસ્તી બળાત્કાર કરવાનો પ્રયત્ન કરતો હતો. જોકે સગીરા બનેવીના પકડમાથી છટકી બહાર આવી ગઈ હતી અને પ્રતિકાર કર્યો હતો. જોકે આરોપીએ આ રીતની હરકત ત્રણ વાર કરી હતી. જોકે મોટી બહેનનો ઘર સંસાર ન બગડે તે માટે નાની બહેને મૂંગા મોઢે આ બધું સહન કર્યું હતું.
બનેવીએ ધમકીઓ આપી : જે બાદ આરોપી દ્વારા સાળીને પિતાના ઘરે જવા ન દેતા અંતે સગીરાના પિતા દિકરીને લેવા માટે મોટી દિકરીના સાસરીમાં ગયા હતા. 14 મેના રોજ સગીરા ઘરે આવતા રડવા લાગતા અને માતાપિતાએ તેને કારણ પૂછતાં તેણે સમગ્ર હકીકત માતાપિતાને જણાવી હતી. જોકે ફરિયાદીને સમાજમાં ઈજ્જત જવાની બીક હોવાથી તેમજ જમાઈને વિદેશ જવાનું હોય ફરિયાદ કરી ન હતી, પરંતુ સમાજના વડીલો અને અન્ય લોકો દ્વારા આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા તેમજ ફરિયાદીની મોટી દિકરીનું આરોપી સાથે છુટા કરવા અંગે વાતચીત કરવામાં આવી હતી. જોકે આરોપી ન માનતા અને પોતાની ભૂલ ન સ્વીકારી તેમજ સગીર સાળીને ધમકીઓ આપી તેની કરતૂત વિશે કોઈને ન કહેવા માટે સમ ખવડાવી હતી, તેમજ કોઈ જાણ કરશે તો મોટી બહેનને હેરાન અને મારઝૂડ કરશે તેવી ધમકીઓ આપી હતી.
આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ માટેની કામગીરી હાથ ધરી છે. આરોપી સામે પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ છે. - કે.ડી જાટ (PI, નિકોલ પોલીસ સ્ટેશન)
વિદેશ જવા માટે સંબંધ : જે બાદ પણ આરોપી ન સુધરતા અને પોતે થોડા દિવસમાં વિદેશ જતો રહેવાનો છું, મને વિઝા મળી ગયા છે, છ માસમાં હું વિદેશ જવાનો છું અને ત્યાં જઈને તને અને તારી મોટી બહેનને બોલાવી લઈશ, પરંતુ તારે મારી સાથે સંબંધ રાખવો પડશે. તો જ હું તને વિદેશ લઈ જઈ તેવી વાતો કરતા અંતે આ સમગ્ર બાબતે નિકોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.