અમદાવાદ: ઓસ્ટ્રેલિયામાં રહેતા દર્શનાબેન પોતાના ભાઈ કોરોનાગ્રસ્ત હોવાના કારણે ખૂબ જ હતાશ અને ચિંતીત હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અજયભાઈ અને તેમના બહેનની દરકાર કરીને સિવિલતંત્ર દ્વારા વીડિયો કોલિંગ મારફતે વિધિવત રીતે રક્ષાબંધનની ઉજવણી કરાવવામાં આવી હતી. દર્શનાબહેને વીડિયો કોલિંગની મારફતે રક્ષાબંધનની સમગ્ર વિધીની તબક્કાવાર દોરવણી કરી અને અહીં કોરોના વોર્ડમાં પેશન્ટ અટેન્ડેન્ટ પ્રિયંકા બેન દ્વારા અજયભાઈને પ્રતિકાત્મક રાખડી બાંધવામાં આવી હતી.
અન્ય એક કિસ્સામાં કોરોનાની સારવાર લઈ રહેલા મણિનગરના નિકિતાબેન પટેલ પણ સમગ્ર કોરોના વોર્ડમાં થઈ રહેલી રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી જોઈને પોતાના ભાઈ અનુપને ખૂબ યાદ કરવા લાગ્યા હતા. આ દ્રશ્ય જોઈ સિવિલ હોસ્પિટલની સેનેટરી ઈન્સ્પેક્ટર જયમીન બારોટ પાસે પહોંચ્યા અને કહ્યુ બહેન તમે ચિંતા ના કરશો હું પણ તમારો ભાઈ જ છું. નિકિતાબેન તમામ દુ:ખ ભૂલીને હર્ષભેર જયમીનભાઈમાં જ પોતાના ભાઈની છબી જોઈ તેમને રાખડી બાંધી દીર્ધાયુષ્યના આશીર્વાદ આપ્યા હતા. જયમીનભાઈએ પણ નિકિતાબેનની કોરોના સામે જ નહીં જીવનની દરેક કપરી પરિસ્થિતિમાં રક્ષા કરવાનું વચન આપ્યુ હતુ.
કોરોનાની પરિસ્થિતિમાં સારવાર લઈ રહેલા દર્દીનું પોતાના પરિવારથી વિખૂટા રહેવું સ્વાભાવિક છે. આવી પરિસ્થિતિઓમાં દર્દીને પ્રેમ, હૂંફ મળી રહે દર્દી એકલવાયુ ન અનુભવે તે ખૂબ જરૂરી છે. ઘણા દર્દીઓ એવા જોવા મળ્યા કે, જેઓ જીવનમાં પહેલી વખત પોતાના ભાઈ કે બહેનથી દૂર રહીને આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકવા સક્ષમ ન હતા. આ સમગ્ર લાગણીઓને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ દર્દીઓ અને તેમના સગાની દરકાર કરીને અસામાન્ય પરિસ્થિતિમાં પણ સામાન્ય રીતે રક્ષાબંધનની ઉજવણી થઈ શકે તે માટેનું સુચારૂ વ્યવસ્થાપન કરવામાં આવ્યુ હતુ.