અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરને કાળા ડિબાંગ વાદળોએ ઘેરી લીધું હતું. અમદાવાદના ઉત્તર ઝોન વિસ્તારમાં માત્ર બે કલાકમાં જ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે ઠેર ઠેર રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાતા ટ્રાફિકના દ્રશ્યો સામે આવ્યા હતા. શહેરમાં બપોરના 1 વાગ્યા સુધીમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. કોતરપુરમાં સૌથી વધુ 4 ઇંચ, નિકોલમાં 3 ઈંચ,ચીકુડિયા 1 ઈંચ,ઓઢવ 1 ઈંચ, કઠવાડા ડોઢ ઈંચ, ચાંદખેડા 2 ઈંચ, રાણીપ 1 ઈંચ વરસાદ થયો છે. સાયન્સ સીટી 1 ઈંચ, ગોતા અડધો ઇંચ, મેમકો અને નરોડા 2 ઈંચ વરસાદ વરસ્યો હતો.
ઉત્તર ઝોનમાં ભારે વરસાદ : અમદાવાદ શહેરના ઉત્તર ઝોનમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં મેમકો દોઢ ઇંચ વરસાદ, નરોડા એક ઇંચ વરસાદ, કોતરપુર પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે મધ્ય ઝોનની વાત કરવામાં આવે તો, મધ્ય ઝોનમાં દુધેશ્વર અને દાણાપીઠ ખાતે એક ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે અમદાવાદ શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વરસાદ જોવા મળ્યો નથી. જ્યારે સાયન્સ સીટી અને ગોતા વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
પશ્ચિમ ઝોનમાં સવારથી જ વરસાદ : અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોન વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો છે. જેમાં ઉસ્માનપુરા ખાતે એક ઇંચ વરસાદ, ચાંદખેડા બે ઇંચ વરસાદ, એક ઇંચ વરસાદ અને ટાગોર હોલ ખાતે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ચીકુડીયા અડધો ઇંચ, વરસાદ ઓઢવ એક ઇંચ, વિરાટનગર દોઢ ઇંચ વરસાદ, નિકોલ દોઢ ઇંચ અને કઠવાડા ખાતે એક ઇંચ વરસાદ વરસ્યો હતો.
ચાંદી બજાર માર્કેટમાં 2 ફૂટ પાણી : અમદાવાદ શહેરના ઉત્તર ઝોનમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો હતો. જેને કારણે કુબેરનગર દેવલાલી ચાંદી બજાર માર્કેટમાં દુકાનોની અંદર બે ફૂટ જેટલા પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આ ઉપરાંત સરદારનગર, નોબલનગર, કુબેરનગર જેવા અલગ અલગ વિસ્તારોમાં પણ રોડ ઉપર પાણી ભરાતા ઠેર ઠેર ટ્રાફિકના દ્રશ્યો સામે આવ્યા હતા. જેના કારણે વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.