અમદાવાદઃ અત્યાર સુધી નકલી માર્કશીટ નકલી ડીગ્રી જેવા બનાવટી દસ્તાવેજો પકડાયા કે બન્યા હોવાના કેસ બનેલા છે. હવે કેટલાક ભેજાબાજ આરોપી નકલી પોલીસ વેરિફિકેશનના સર્ટિફિકેટ બનાવવાના શરૂઆત કરી દીધી છે. આવો જ એક નકલી સર્ટિફિકેટ બનાવવાનો પર્દાફાશ SOGએ કરીને એક આરોપીની ધરપકડ કરી છે. એક ચોક્કસ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા મોટી વિગત સામે આવી હતી.
ધરપકડ કરવામાં આવીઃ અમદાવાદ SOGએ બેંક મેનેજર તરીકે રહી ચૂકેલા અને બારોબાર પોલીસના નામે બનાવટી વેરિફિકેશન સર્ટીફિકેટ તૈયાર કરનાર ભેજાબાજની ધરપકડ કરી છે. પોલીસના નામ સિક્કા અને સહી સાથેના સર્ટિફિકેટ બનવાં લાગ્યા છે. આ કિસ્સામાં પોલીસે બાતમીના આધારે બેંક લોન રિકવરીનું કામકાજ કરતા સંદીપ પાંડેની આશ્રમ રોડ પર આવેલી એસ. આર સર્વિસીસના નામે ચાલતી ઓફિસમાં રેડ કરી હતી. જ્યાંથી તેની ઓફિસમાં કામ કરતાં 8 કર્મચારીઓના ખોટા પોલીસ વેરીફિકેશન મળી આવ્યા છે. Sog ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી છે.
દરોડા પાડવામાં આવ્યાઃ એસઓજીએ ઓફિસમાં સર્ચ કરતા વી.જે વ્યાસ, પોલીસ ઇન્સ્પેકટર સ્પેશીયલ બ્રાંચના નામના સિક્કા પણ મળી આવ્યા છે, જેનો ઉપયોગ આરોપી નકલી પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ કરતા હતા.અમદાવાદ SOGએ આરોપી સંદીપ પાંડેની ધરપકડ કર્યા બાદ તેના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરશે. આ અંગે SOG ક્રાઈમના ACP બી.સી સોલંકીએ જણાવ્યું હતું કે, આરોપીએ 8 કર્મચારી સિવાય અન્ય કર્મચારીઓના વેરિફિકેશન સર્ટિફિકેટ બનાવ્યા હતા કે કેમ ? વેરીફિકેશન સર્ટિફિકેટ સિવાય અન્ય કોઈ બનાવટી દસ્તાવેજ બનાવ્યા હતા કે કેમ તે અંગે વધુ પૂછપરછ કરવામા આવી રહી છે.
પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ સિવાય પણ બીજા કેટલા અને ક્યા સર્ટિફિકેટ બનાવેલા છે કે કેમ, એની પાસે બીજા ડોક્યુમેન્ટ છે કેમ, આ સિવાય બોગસ સર્ટિ. માર્કશીટ બનાવેલ છે કેમ એ રીમાન્ડ દરમિયાન વિશેષ પૂછપરછ થકી બહાર આવશે. હાલ તો એ પૂછપરછમાં કંઈ કબૂલ કરતો નથી. એના જિલ્લામાં મેસેજ કરી માહિતી મેળવીશું. ટેકનિકલી પગલાં લેવામાં આવશે. હાલ તે વસ્ત્રાલમાં રહે છે. અગાઉ બેંકમાં નોકરી કરતો. ---બી.સી સોલંકી (ACP, SOG ક્રાઈમ)
બિહારના રહેવાસી આરોપીઃ આરોપી સંદીપ પાંડે મૂળ બિહારનો રહેવાસી છે અને છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં રહે છે. આરોપી પાંચ વર્ષ પહેલા અમદાવાદના ડ્રાઇવિંગ રોડ સ્થિત એચડીએફસી બેન્કમાં બ્રાન્ચ મેનેજર તરીકે પણ કામ કરી ચૂક્યો છે. જે બાદ તેને ICICI, HDFC, Axis જેવી બેંકોમાં લોન રિકવરિંગ માટે કામ શરૂ કર્યુ. જે માટે તેને 8 કર્મચારીઓને જોબ પર રાખ્યા હતા. બેન્ક માટે લોન રીકવરી કરવા કાયદા પ્રમાણે આ કામ માટે કર્મચારીઓના પોલીસ વેરીફીકેશન જરૂરી હોય છે. જેથી આરોપીએ નકલી સર્ટીફીકેટ તૈયાર કરી દીધા હતા.