અમદાવાદ: ખાખી ની અંદર પણ એક માનવ જીવ વસે છે. જે ઘણી વખત માણસાઈને પુરવાર કરે છે. આત્મહત્યા કરવા જતા વ્યક્તિને પોલીસે બચાવી લઇ ઉત્તમ કામગીરી કરી છે. આત્મહત્યા કરવા જતા વ્યક્તિએ પોતે લાંચના આક્ષેપો સાથે નથી રહી શકતા. પોતે કોઈ પાસે પૈસા નથી લીધા. આ મામલો વ્યક્તિને ડિપ્રેશનમાં મૂકી રહ્યો હતો. જેના કારણે વ્યક્તિએ આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરી લીધું હતું. જોકે સમયસર પોલીસ ની ટીમ પહોંચી જતા એક જિંદગી મૃત્યુ પામતા બચી ગઈ હતી. પોલીસે આ વ્યક્તિનું ચોક્કસ પ્રકારે કાઉન્સિલિંગ કરીને હેમખેમ ઘરે મૂક્યા હતા. આમ પોલીસે એક વ્યક્તિનું જીવન બચાવી લીધું હતું. પોલીસે મોબાઈલ નંબરના આધારે લોકેશન તપાસી આત્મહત્યા કરવા જઈ રહેલા વ્યક્તિને રોકી લીધા.
પતિનો મેસેજ: આત્મહત્યા કરવા માટે જઈ રહેલો વ્યક્તિ એક બેંકમાં બ્રાન્ચ મેનેજર હોય અને જેઓ કામના પ્રેશરના કારણે ડિપ્રેશનમાં આવી જતા આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. ઘરેથી અચાનક નીકળી ગયા બાદ પત્નીને મેસેજ કર્યો હતો. જે મેસેજમા તેમણે ઉલ્લેખ કર્યો હતો કે પોતે લાંચના આક્ષેપો સાથે નથી રહી શકતા અને પોતે કોઈ પાસે પૈસા નથી લીધા. સીરોહીજીને કહી દેજે કે હવે ઇન્વેસ્ટિગેશન કરાવે, હવે હું કદાચ તને નહીં મળી શકું, કારણ કે મને પણ નથી ખબર કે હું ક્યાં જઈશ. ફક્ત ઓફિસ વર્કના કારણે વધારે પ્રેશરમાં છું અને હું તે બધું હેન્ડલ નથી કરી શકતો. જો હું તને કહેતો તો તું મને જવા ન દેતી. સોરી પણ હું મજબુર છું.
આત્મહત્યા રોકવાની તુરંત કામગીરી: અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતીએક મહિલા પોલીસ સ્ટેશને આવ્યા હતા. તેઓનો પતિ આત્મહત્યા માટે જઈ રહ્યો હોય તેવો મેસેજ તેમને મોકલવામાં આવ્યો હતો. તે મેસેજ પોલીસને બતાવ્યો હતો. આ સમગ્ર મામલે નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જે ભાટીયાએ તરત જ મોબાઈલ નંબરના લોકેશન કાઢી આત્મહત્યા કરવા જઈ રહેલા વ્યક્તિને આત્મહત્યા કરતા રોકવાની તુરંત કામગીરી શરૂ કરી હતી.
વ્યક્તિને બચાવી લીધો: મોડાસા રૂરલ પોલીસે આત્મહત્યા કરવા જઈ રહેલા વ્યક્તિને રોકીને નરોડા પોલીસને જાણ કરતા નરોડા પોલીસે ટીમ બનાવીને તરત જ સ્થળ ઉપર જીવન ટૂંકાવવા જઈ રહેલા વ્યક્તિને બચાવી લીધો હતો. પોલીસે સમયસુચકતા વાપરીને તેઓને સમજાવીને આપઘાત કરવા ગયેલા વ્યક્તિની સમસ્યાને સાંભળી અને કાઉન્સેલિંગ કરી રાહતનો માર્ગ ચીંધીને પરિવાર સાથે તેઓના ઘરે પરત મોકલ્યા હતા. આ અંગે નરોડા પોલીસ સ્ટેશનના PI એસ.જે ભાટિયાએ ETV ભારત સાથે ટેલીફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે આ અંગે અમને માહિતી મળતા જ તરત જ તે વ્યક્તિના મોબાઇલના લોકેશન કાઢવામાં આવ્યા હતા. જેના આધારે લોકેશન પર જઈને તેઓને બચાવીને કાઉન્સેલિંગ કરી સમજાવી ઘરે પરત મોકલવામાં આવ્યા છે.