અમદાવાદ : નવરંગપુરા વિસ્તારમાં આવેલા સ્પામાં પોલીસ અને પત્રકારના નામે તોડપાણી કરનાર ટોળકીની પોલીસે ધરપકડ કરી છે. નવરંગપુરા દર્પણ ચાર રસ્તા પાસે આવેલા ઝીલ સ્પામાં ત્રણ શખ્સો પોલીસ અને મીડિયાકર્મીઓ હોવાની ઓળખ આપીને પ્રવેશ્યા હતા. સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવો છો, તેવું કહીને 50 હજાર રૂપિયાની માંગ કરી હતી. અંતે વેપારીને ડરાવી ધમકાવી તેના પાસેથી 10,500 રૂપિયા પડાવી લીધા હતા. જોકે વેપારીએ આઈકાર્ડ માંગતા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને અંતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનામાં સામેલ ત્રિપુટીને ઝડપી પાડી છે.
શું હતો સમગ્ર મામલો : આ મામલે રાજેશ નાગર નામના વેપારીએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓ દર્પણ સર્કલ પાસે જીલ સ્પા નામની દુકાન ધરાવીને વેપાર કરે છે. બીજી માર્ચના રોજ બપોરના સમયે તેઓ કામથી બહાર ગયા હતા, ત્યારે ચાર વાગ્યે સ્પામાં કામ કરતા મહિલાએ તેઓને ફોન કરીને જણાવ્યું હતું કે, ત્રણ માણસો ત્યાં આવ્યા છે અને પોતે પોલીસની ઓળખ આપે છે અને દાદાગીરી કરે છે. જેથી ફરિયાદી જીલ સ્પા પર પહોંચ્યા હતા, ત્યારે ત્રણ શખ્સો ત્યાં હાજર હતા, જે પૈકી બ્રિજેશ પટેલ નામના શખ્સે પોતે પોલીસ તરીકેની ઓળખ આપી હતી. તેમજ અન્ય બે જયેશ ઠાકોર અને શુભ શાહે પોતે મીડિયાકર્મી હોવાની ઓળખ આપીને ફરિયાદીને તમારા સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવો છો, જેથી અમને 50,000 રૂપિયા આપવા પડશે તેવું કહ્યું હતું.
આ પણ વાંચો : 7 વર્ષથી ATMમા વૃદ્ધોને શિકાર બનાવી મુંબઈમાં બાર ડાન્સરોને નચાવતો ઠગ
વેપારી ગભરાઈ ગયા : જેથી ફરિયાદીએ સ્પામા ફક્ત સ્પા અને મસાજનું કામ ચાલે છે અને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી નથી તેવું કહેતા ત્રણે શખ્સો ઉશ્કેરાયા હતા અને રૂપિયા નહીં આપો તો તમારી બદનામી કરી દઈશું, તે પ્રકારની ધમકીઓ આપતા અંતે ગભરાઈને વેપારીએ બદનામીના ડરે 10,500 રૂપિયા આપ્યા હતા.
આ પણ વાંચો : સોમનાથ મંદિર ટ્રસ્ટની ફેક વેબસાઈટ બનાવી યાત્રિકોને લાખોનો ચૂનો ચોપડ્યો, દિલ્હીથી ઠગ પકડાયા
આઈ કાર્ડ માંગ્યું આપ્યું નહીં : જે બાદ ફરિયાદીને શંકા જતા તેઓએ ત્રણેય શખ્સો પાસે તેઓના આઈકાર્ડ માંગતા તેઓએ બતાવ્યા ન હતા અને ત્યાંથી ભાગી ગયા હતા. અંતે તેઓએ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરતા ગુજરાત યુનિવર્સિટી પોલીસે જયેશ ઠાકોર, શુભ શાહ અને બ્રિજેશ પટેલની ધરપકડ કરી છે. આરોપીઓની વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી તેઓએ આ પ્રકારે પોલીસ અને પત્રકાર તરીકેની ઓળખ આપીને અન્ય કોઈ જગ્યાએ પૈસા પડાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PI વી.જે જાડેજાએ જણાવ્યું હતું કે, આરોપીઓના રિમાન્ડ મેળવી તેઓએ અન્ય કોઈ ગુના આ પ્રકારે અંજામ આપ્યા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.