અમદાવાદ : આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિતે અમદાવાદના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સરદાર પટેલની જન્મજયંતિ ઉજવણી રૂપે દેશ અને રાજ્યના રાજવી પરિવારોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 20 થી વધુ રાજવી પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. ત્યારે રાજવી પરિવારના સભ્યોએ જાહેરમાં નિવેદન આપ્યું હતું કે, અમે દેશ માટે તમામ સંપત્તિ અને સત્તા આપી અને આજે દેશ આઝાદ છે. અમે જે ત્યાગ કર્યો તે માટે ખુશ છીએ.
IAS એકેડેમીનો પ્રારંભ : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આજે સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તથા આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ સહિત રાજ્યભરના રાજવી પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગાંધીનગર ખાતે સર્વ સમાજના યુવક-યુવતીઓના ભવિષ્યને માટે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી IAS એકેડેમીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પહેલથી દેશ સેવામાં યોગદાન આપવા માંગતા ગુજરાતના યુવક-યુવતીઓને સહયોગ મળશે.
દેશભરના રાજવીઓ ઉપસ્થિત રહ્યા : અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા રાજવી પરિવારના સન્માન કાર્યક્રમમાં અનેક સ્ટેટના રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લક્ષ્યરાજસિંહ-મેવાડ, કેસરીસિંહ- ઉદેયપુર, તુષારસિંહ-વાંકાનેર, વિજયરાજસિંહ-દેવગઢ બારીયા, પરંજાદિત્યસિંહ-ભાવનગર, પુષ્પરાજસિંહ રિવા-સંતરામપુર, યુવરાજ ઇન્દ્રેશ્વરસિંહ-સિરોહી રાજસ્થાન, જયદીપસિંહ-લીંબડી, યાદવેન્દ્રસિંહ-ગોંડલ, યશપાલસિંહ દેસાઈ-પાટડી, સિદ્ધાર્થસિંહ-લુણાવાડા, જયપ્રતાપસિંહ-છોટાઉદેપુર, રણવિજયસિંહ-જસપુર છત્તીસગઢ, સિધ્ધરાજસિંહ-દાંતા, પદમરાજસિંહ-ધ્રોલ જામનગર, અર્જુનસિંહ-મહુવા ભાવનગર સહિતના અનેક રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજવીઓનો સન્માન સમારોહ : ભાવનગરના રાજવી વિજયરાજસિંહ ગોહિલે ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, 75 વર્ષ બાદ દેશને એક કરવામાં મહત્વનો ફાળો આપનાર રાજવીઓને યાદ કરવામાં આવ્યા છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા તમામ રાજવીઓનું સન્માન કરવામાં આવ્યું છે, તે બદલ હું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો આભાર માનું છું. સાથે જ આવું ભૂતકાળમાં ક્યારેય થયું ન હતું પરંતુ જ્યારે પણ સરકારને રાજવીઓની જરૂર હોય ત્યારે ભાવનગર સ્ટેટ હંમેશા મદદ માટે તૈયાર જ રહેશે.