અમદાવાદ: અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચ તથા D.R.I. ની ટીમને કરોડો રૂપિયાના ડ્રગ્સ તથા ડ્રગ્સ ઉત્પાદન કરતી ફેકટરી તથા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે.કરોડો રૂપિયાના ડ્રગ્સ અને ડ્રગ્સની ફેક્ટરી ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. તમામ કાર્યવાહીને લગતી વિગતો જોઈન્ટ કમિશનર પોલીસ નીરજ બડગુજરે ખુલાસો કર્યો હતો.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી માહિતી : ત્યારે આ સમગ્ર ઘટના પર નજર કરવામાં આવે તો મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેર પાસે આવેલા પૈઠણ M.I.D.C માં શ્રી મહાલક્ષ્મી કેમીકલ વર્કસ નામની ફેકટરીમાં જીતેશ હિન્હોરીયા નામની વ્યકિત ગેરકાયદે રીતે એમડી ડ્રગ્સ બનાવતો હોવાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી. માહિતી બાદ DRI અમદાવાદ ઝોનલ યુનિટ અને અમદાવાદ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ ગુજરાત દ્વારા મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) જિલ્લામાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ડ્રગ્સનો કરોડો રૂપિયાનો કારોબાર : આ સર્ચ ઑપરેશન દરમ્યાન આરોપી જીતેશ હિન્હોરીયાના રહેણાંક સ્થળેથી 23 કિલો કોકેઈન, 2.9 કિલો મેફેડ્રોન અને આશરે રૂ. 30 લાખ રોકડા મળી આવ્યા હતા. તેમજ છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ), પૈઠણ MIDC માંથી મેફેડ્રોન અને કેટામાઇનના ઉત્પાદન સાથે સંકળાયેલી મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીમાંથી કુલ 4.5 કિગ્રા મેફેડ્રોન, 4.3 કિગ્રા કેટામાઈન અને અન્ય 9.3 કિગ્રા વજનનું મેફેડ્રોનનું મિશ્રણ મળી આવ્યું હતું.
આરોપી જીતેશ હિન્હોરિયા એનડીપીએસ ગુનો દર્જ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરેલી કાર્યવાહીમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની ગેરકાયદે બજાર કિંમત રૂ. 250 કરોડથી વધુનો મુદ્દામાલ પોલીસે NDPS એક્ટ, હેઠળ જપ્ત કરી જીતેશ હિન્હોરિયા તથા સંદીપકુમાર શંકર કુમાવતને ઝડપી લઇ DRI દ્રારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કેમિકલ અને ફાર્મા કંપનીનો કર્મચારી : કરોડોના ડ્રગ્સની હેરફેર કરતા આ બંને ઈસમો અંગેની પૂછપરછમાં પોલીસને અન્ય માહિતી મળી છે. જેમાં આરોપી જીતેશ હિન્હોરીયાએ B.Sc, M.Sc. સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ ગુજરાત અને મહારાષ્ટ્રમાં જુદી જુદી કેમિકલ કંપની અને ફાર્મા કંપનીઓમાં નોકરી કરતો હતો. બંન્ને આરોપીઓ છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) માં આવેલી કેમિકલ કંપનીમાં સાથે નોકરી કરતા હતાં. જ્યારે મુખ્ય આરોપી જીતેશ હિન્હોરીયા શ્રી મહાલક્ષ્મી કેમિકલ વર્કસમાં જરૂરીયાત મુજબ હાજરી આપતો આ સિવાય વાલુજ M.I.D.C માં ગીતા કેમીકલ નામની કંપનીમાં ભાગીદાર તરીકે પણ જોડાયેલો હતો.
કેમિકલની બિલ વગર ખરીદતો : આરોપી જીતેશ હિન્હોરિયાએ આ કેમિકલ કંપનીઓ સિવાય પણ 2022 થી કેમીકલ કન્સલટન્સીનુ કામ શરુ કર્યું હતું. જેમાં તે પ્રોજેકટ કે કંપનીના પ્લાન્ટ અને પ્રોડકટ સેટ કરી આપતો હતો. આ ઉપરાંત આરોપી જીતેશ હિન્હોરીયા ડ્રગ્સમાં વપરાતા કેમિકલની કોઇ પણ બિલ વગર ખરીદ કરતો અને તેમાંથી ડ્રગ્સ તથા કોકેઇન જેવા માદક પદાર્થો બનાવી ડ્રગ્સ સપ્લાયરોને વેચાણ કરતો હોવાની પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું. જ્યારે હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરોડો રૂપિયાની ડ્રગ્સની હેરાફેરી અને ઉત્પાદન પર રેડ કરી માફીયાઓ પર લગામ કસી છે.