અમદાવાદ : ભાજપ હાઈકમાન્ડે આંધ્રપ્રદેશ, તેલગાંણા, પંજાબ અને ઝારખંડના નવા પ્રદેશ પ્રમુખના નામની ગઈકાલે મંગળવારે સત્તાવાર જાહેરાત કરી છે. જે પછી ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ કોણ આવશે તે મામલે ગુજરાતના રાજકારણમાં ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ટર્મ 15 જુલાઈએ પુરી થાય છે. જેથી તેમના સ્થાને કોણ? તે પ્રશ્ન ઉભો થાય તે સ્વાભાવિક છે.
કોના નામની ચર્ચા : રાજકીય રીતે ચર્ચાતી વાત મુજબ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાના નામોની ચર્ચા છે. જો કે આ વાત એટલા માટે ગળે નથી ઉતરતી કે આ બન્ને નેતા પાટીદાર છે. ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાટીદાર છે. જ્ઞાતિ સમીકરણને ધ્યાને લઈએ તો સીએમ અને પાર્ટી પ્રમુખ બન્ને પાટીદાર ન હોય. એવું પણ જાણવા મળ્યું છે કે ભાજપ પક્ષ પ્રમુખ જે પી નડ્ડા અને મનસુખ માંડવિયા વચ્ચે આજે દિલ્હીમાં બેઠક થઈ હતી અને ગુજરાત મામલે ચર્ચા થઈ હોય તેવી શકયતા છે. આ બાબતે જાણકાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભરત બોઘરા અને પ્રદીપસિંહ વાઘેલાના નામ પણ ચર્ચામાં છે.
ગુજરાતમાં પક્ષ પ્રમુખ સી આર પાટીલને બદલવાની શક્યતા ખૂબ ઓછી છે. કારણ કે પાટીલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ન ધારેલી સફળતા મેળવીને 156 સૌથી વધુ બેઠકો જીત્યા હતા. તેઓ ગુજરાતમાં પેજ કમિટીના નિર્માતા રહ્યા છે અને તેને કારણે જ ગુજરાતમાં તેઓ લોકપ્રિય નેતા બન્યા છે. જો કે ભાજપ હાઈકમાન્ડ પાટીલને બદલે તો યુવા ચહેરાને લાવે તેવી શકયતા હું જોઈ રહ્યો છું...જયવંતભાઈ પંડ્યા(અગ્રણી રાજકીય વિષ્લેષક)
પાટીલને કેન્દ્રમાં લઇ જવા તૈયારી : બીજી તરફ એવી પણ ચર્ચા છે કે સી આર પાટીલને મોદી કેબિનટ વિસ્તરણમાં રાજ્યકક્ષાના પ્રધાન બનાવે, અને તેમના કામને પ્રોત્સાહન આપવામાં આવે. જો આમ થાય તો મોદી કેબિનટમાં ગુજરાતનું વજન વધી જાય. પણ રાજકીય વિશ્લેષકોના મતે પીએમ મોદી આમ નહી થવા દે.
પક્ષ પ્રમુખ તરીકે સફળ પાટીલ : ત્રીજી તરફ સી આર પાટીલ ગુજરાતમાં પક્ષ પ્રમુખ તરીકે સફળ રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં કુલ 182માંથી 156 બેઠક જીતીને રેકોર્ડ સર્જ્યો હતો. જેથી પાટીલને જ બીજી ટર્મ માટે રીપીટ કરવામાં આવે તેવી પુરી શકયતા જોવાઈ રહી છે. કારણ કે માથે 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે અને પાટીલ ગુજરાતના મતદારોની નસેનસ જાણે છે. 26માંથી 26 બેઠક જીતીને હેટ્રિક કરવાની તક છે. માટે સી આર પાટીલને બદલવામાં આવશે નહી તેવી પણ એક શકયતા છે.
ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ બદલાવાની કોઈ શકયતા હું જોતો નથી. તેમને બીજી ટર્મ માટે રીપીટ કરશે. 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ગુજરાત અતિમહત્વનું રાજ્ય છે કે જ્યાં લોકસભામાં 26માંથી 26 બેઠકોની જીત છે. આ સીલસીલો ન તૂટે તે માટે સી આર પાટીલ હોય તે જરૂરી છે. હા એવું બને શકે કે લોકસભાની ચૂંટણીને હજી એક વર્ષની વાર છે, પણ તે પહેલા અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તો સી આર પાટીલને બીજા રાજ્યના પ્રભારી બનાવે. બીજુ કે લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠક જીતવી સરળ તો છે જ. પણ આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડશે અને કોંગ્રેસ પણ ઉમેદવાર ઉભા રાખશે. આમ ટ્રાયો થાય તો આ ચૂંટણીને હળવાશથી ન લેવાય. આ કારણોને જોતા એમ કહી શકાય કે ભાજપ હાઈકમાન્ડ સી આર પાટીલને બદલશે નહી તેવી શક્યતા હું જોઈ રહ્યો છું...દિલીપ ગોહિલ(અગ્રણી રાજકીય તજજ્ઞ)
ભાજપ નેતાઓની મોટી હલચલ : મળતા સમાચાર મુજબ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પક્ષ પ્રમુખ સી આર પાટીલ 7 જુલાઈએ દિલ્હી જઈ રહ્યા છે. જ્યાં તેઓ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાને મળશે અને રાજ્યસભાની ચૂંટણી માટે ચર્ચા કરે તેવી સંભાવના છે. ત્યાર પછી 9 જુલાઈએ મોદી કેબિનેટના વિસ્તરણની જાહેરાત થાય તેવી પણ શક્યતા છે. આ સંજોગોમાં ભાજપ હાઈકમાન્ડ શું નિર્ણય કરે છે તેના પર બધાની નજર છે.