અમદાવાદઃ શહેરમાં તમામ મોલ જાહેર જનતા માટે ખોલીમાં આવ્યા છે. અમદાવાદીઓ માટે જીવન જરૂરી ચીજવસ્તુ માટે મોલ ખૂલ્લા રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. તેમાંથી લોકો કરિયાણું તેમજ જીવન જરૂરી વસ્તુઓની ખરીદી કરી શકાશે.
મહત્ત્વનું છે કે, અમદાવાદના મોલ રાત્રે 8 વાગ્યા સુધી ટોકન સિસ્ટમ આપીને ચાલું રાખવામાં આવશે અને ટોકનવાળાને જ મોલમાં પ્રવેશ આપવામાં આવશે. બીજી શરત એવી છે કે, મોલમાં એક સાથે તમામ લોકોને પ્રવેશ આપવામાં નહી આવે. માત્ર 4થી 5 લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.
બીજી બાજુ અમદાવાદમાં મોલ ખોલવાની પરમિશન આપતા લોકોએ ખરીદી માટે દોટ મૂકી હતી. થોડા દિવસ પહેલા મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ મોલ પર થતી ભીડ દૂર કરવા ખરીદી બંધ કરી હોમ ડિલિવરી જ કરશે તેવી જાહેરાત કરી હતી.
વિજય નહેરાની જાહેરાતના થોડા દિવસ પહેલા મોલ બંધ રાખવા સૂચના આપ્યા બાદ ફરીથી ખરીદી માટે ખૂલ્લા મુકાયા છે, ઉપરાંત હોમ ડિલિવરી પણ કરવામાં આવે છે. મોલમાં સેનિટાઈઝ કરી પ્રવેશ આપવામાં આવે છે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવામાં આવે છે.