અમદાવાદ : ગ્યાસુદ્દીન શેખે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, મ્યુનિશિપાલ સંકલન સમિતિમાં મારી અવારનવાર રજૂઆતને પગલે કન્સલન્ટન્ટની નિમણુંક કરી હતી. શાહપુર વોર્ડના દૂધેશ્વર વિસ્તારમાં આવેલ કમુમીયાની ચાલી, ભગુભાઈની ચાલી, નકળંગપુરા અને રામલાલના ખાડા સહિત વિવિધ વિસ્તારો માટે રુપિયા 05 કરોડની ગ્રાન્ટ મંજુર કરી હતી. તેમ છતાં કમુમીયાની ચાલી અને ભગુભાઈની ચાલીમાં રાજકીય કારણોસર કામ મંદ ગતિએ થઈ રહ્યા છે. આશ્ચર્યજનક રીતે મંજુર થયેલા કામોમાંથી નકળંગપુરા અને રામલાલના ખાડામાં તો કામો હજુ સુધી શરુ પણ કરવામા આવ્યા નથી.
પ્રાથમિક સુવિધાથી લોકો વંચિત : દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વધુમાં આક્ષેપો કરતા જણાવ્યું કે, શાહપુર વોર્ડના દૂધેશ્વર વિસ્તારમાં પોલ્યુશનયુક્ત પાણી, ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા અને ખાડા-ટેકરા વાળા રસ્તાઓને પરિણામે જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. લોકો પ્રદૂષિત પાણી પીવાને કારણે અવારનવાર પાણીજન્ય રોગચાળાનો ભોગ બની રહ્યા છે. ડ્રેનેજ લાઈનોમાંથી પાણીની લાઈનો પસાર થાય છે. ગંદકી અને દૂર્ગંધથી ત્રાહિમામ થઇ ગયા છે. યુદ્ધના ધોરણે કમુમીયાની ચાલી અને ભગુભાઈની ચાલીમાં કામ ઝડપથી પૂરુ કરવામાં આવે અને મંજુર થયેલા કામોમાંથી નકળંગપુરા અને રામલાલના ખાડામાં કામ ઝડપથી શરુ કરી પ્રજાની હાલાકી દૂર કરવામાં આવે.