અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફરી એકવાર લૂંટેરી દુલ્હનનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં નિકોલ વિસ્તારમાં રહેતા એક યુવકને દુલ્હન સહિતની ટોળકીએ વાતોમાં ફસાવીને લગ્ન કર્યા હતા. લગ્નના બીજા દિવસે જ પાવાગઢ મંદિરે દર્શન જવાનું કહીને યુવતી સાથે કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી હતી અને ત્યાંથી જ બારોબાર રફુચક્કર થઈ જતા આ સમગ્ર મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે સમગ્ર ગુનામાં સામેલ બે આરોપીઓની ધરપકડ કરી છે.
આ રીતે નક્કી થયું લગ્ન : સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા મહિલાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓના ભાઈના લગ્ન થયેલા ન હોય તેઓએ લગ્ન માટે કન્યાની શોધ કરી હતી, ત્યારે 6 મહિના પહેલા તેઓને જાણવા મળ્યું હતું કે નવસારીમાં રહેતા નરેશ રાણા નામના વ્યક્તિ લગ્ન વાંચ્છુક વ્યક્તિઓના લગ્ન કરાવવાનું કામ કરે છે. જેથી તેઓએ નરેશ રાણાને ફોન કરીને પોતાના ભાઈને લગ્નની વાત કરી હતી. જે બાદ 15 ફેબ્રુઆરી 2023 ના રોજ સાંજના સમયે નરેશ રાણાએ ફરિયાદીને ફોન કરીને મુંબઈની એક યુવતી છે તેવું જણાવીને યુવતીનો ફોટો મોકલ્યો હતો અને જે યુવતી પસંદ પડતા લગ્નની વાત કરવા માટે 20 મી ફેબ્રુઆરી 2023 ના રોજ ફરિયાદી તેમજ પિતા અને તેઓનો ભાઈ મુંબઈ ગયા હતા.
આ પણ વાંચો લૂંટેરી દુલ્હનઃ પાલનપુરના યુવકને લૂંટીને ફરાર થઈ ગયેલી સુરેખાની ધરપકડ
તાત્કાલિક લગ્ન કરી લેવા દબાણ : જ્યાં નરેશ રાણાએ કવિતા નામની યુવતી ફરિયાદીને બતાવી હતી, જે પછી નરેશ રાણાએ કન્યા કવિતાની માતાની તબિયત સારી રહેતી નથી અને તેના ભાઈ ભાભી રાખતા નથી તેવી વાત કરી તાત્કાલિક લગ્ન કરી નાખો તેવું કહીને દબાણ કરતાં ફરિયાદી વાતોમાં આવી ગયા હતા અને 27મી ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવા માટે વકીલની ઓફિસે ગયા હતા. જોકે વકીલે પહેલા લગ્ન કરીને આવો પછી લગ્ન રજીસ્ટર માટેની કાર્યવાહી કરી આપીશ તે પ્રકારનું જણાવતા ફરિયાદીનો ભાઈ તેમજ કવિતા લગ્ન કરવા માટે બપોરના સમયે ઘરે એક પંડિત બોલાવ્યો હતો અને લગ્નની વિધિ કરી ફેરા ફેરવી લગ્ન પૂર્ણ કર્યા હતા.
લૂંટેરી દુલ્હનના સગા આવ્યાં : લગ્ન સમયે કન્યા કવિતાના પિતા તરીકે ભરતભાઈ નામનો વ્યક્તિ આવ્યા હતા અને જે બાદ તેઓએ લગ્નવિધિના ફોટા અને તમામ ડોક્યુમેન્ટ વકીલને આપ્યા હતા. જોકે વકીલે કવિતાનું લિવિંગ સર્ટિફિકેટ બરાબર નથી બીજું લાવવું પડશે તેવું જણાવતા ભરતભાઈ નામના વ્યક્તિએ મુંબઈ જઈને લિવિંગ સર્ટિફિકેટ મોકલી આપવાનું જણાવ્યું હતું. જે બાદ નરેશ રાણાએ ફરિયાદીને જણાવ્યું હતું કે કન્યા પક્ષને 1 લાખ 60 હજાર રૂપિયા આપવા પડશે, તેમજ દાગીના પણ કરાવવા પડશે. તેવી વાત કરતા જેથી ફરિયાદીએ 1 લાખ 60 હજાર રોકડા અને એક સોનાનું મંગળસૂત્ર, બુટ્ટી અને ચાંદીની વસ્તુઓ મળીને 40 હજાર રૂપિયાની ચીજ વસ્તુઓ વચેટીયા ભરતભાઈ ઉર્ફે કરણભાઈને આપ્યા હતા. જે બાદ લગ્નમાં કન્યાના ભાઈ તરીકે આવનાર વ્યક્તિ જગદીશ તેમજ તેની પત્ની પિંકી ગિરી પણ સાંજના સમયે ઘરેથી રવાના થયા હતા.
આ પણ વાંચો Ahmedabad Looteri Dulhan: લૂટેરી દુલ્હન લગ્નના દસમાં દિવસે જ રફુચક્કર થઈ જતા યુવકે કરી આત્મહત્યા
પાવાગઢ દર્શને જવા જીદ પકડી : 27 મી ફેબ્રુઆરીએ લગ્ન થયા તે સમયે કવિતાએ પતિને મહાકાળીના દર્શન કરવા માટે જવું છે તેવી જીદ કરતા ફરિયાદીનો ભાઈ અને તેની પત્ની પાવાગઢ દર્શન કરવા માટે જઈએ છીએ, તેવું કહીને રાતના સમયે નીકળ્યા હતા. જોકે એક કલાક બાદ ફરિયાદીના ભાઈનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે કવિતા કાલુપુર રેલવે સ્ટેશનથી અલગ જતી રહી છે અને તેની માતા મરણ ગઈ છે તેવું કહીને મુંબઈ જાય છે તે પ્રકારનું કહીને રવાના થઈ ગઈ હતી. જે બાદ ફરિયાદીએ વારંવાર કવિતાનો સંપર્ક કરતા સંપર્ક ન થતા અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં નરેશ રાણા, કવિતા ખીમસુરીયા, ભરતભાઈ, જગદીશ ખીમસુરીયા અને પિંકી ગીરી સામે ગુનો નોંધાયો હતો.
બીજા જ દિવસે ફરાર લૂંટેરી દુલ્હન : સમગ્ર મામલે નિકોલ પોલીસે ગુનો દાખલ કરીને ગુનામાં શામેલ બે આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી દુલ્હન અને તેના સાગરીતોને પકડવા માટે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનના પી.આઈ કે.ડી જાટે જણાવ્યું હતું કે યુવકના લગ્ન ન થયા હોવાથી તેઓના બહેને વચેટીયાઓ મારફતે લગ્ન કરાવીને દાગીના અને રોકડ રકમ આપી હતી અને લગ્નના બીજા દિવસે જ આરોપી યુવતી ફરાર થઈ જતા સમગ્ર મામલે પોલીસે ગુનામાં શામેલ બે વ્યક્તિઓની ધરપકડ કરી યુવતીની શોધખોળ શરૂ કરી છે.