અમદાવાદ : ચોમાસાના પ્રારંભે જ રાજ્યમાં ખરીફ પાકોનું બમ્પર વાવેતર થયું છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ ખરીફ ઋતુના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં 9 તાલુકાઓમાં કુલ 40,232 હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં સૌથી વધુ 24,939 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર જ્યારે ડાંગરનું 9,486 હેક્ટરમાં વાવેતર થયું છે. 1408 હેકટરમાં શાકભાજીનું વાવેતર કરાયું છે. જ્યારે તુવેરનું 236, મગફળીનું 85, મગનું 25, જુવારનું 270 હેકટરમાં વાવેતર કરાયું છે. જ્યારે ઘાસચારામાં જુવાર, બાજરી અને મકાઈનું કુલ 3,865 હેક્ટરમાં વાવેતર થયું છે.
સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ અને જિલ્લા ખેતીવાડી વિભાગના વિવિધ પ્રયાસોને કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખરીફ પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર થયું છે. જેથી ઉત્પાદનમાં પણ વધારો થશે અને સરવાળે ફાયદો જિલ્લાના ખેડૂતોને થવાનો છે. - હિતેશ પટેલ (જિલ્લા ખેતીવાડી અધિકારી)
ક્યા વિસ્તારમાં કેટલું વાવતેર : તાલુકા પ્રમાણે વાવેતરના આંકડા ઉપર નજર કરીએ તો, બાવળા તાલુકામાં 3,240 હેકટરમાં, દસકોઈ તાલુકામાં 4,800 હેકટરમાં, દેત્રોજ તાલુકામાં 935 હેકટરમાં, ધંધુકામાં 19,300 હેકટરમાં, ધોલેરામાં 219, ધોળકામાં 3938, માંડલમાં 629, સાણંદમાં 3,187 હેકટરમાં અને વિરમગામમાં 3,984 હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે.
સૌથી વધુ ડાંગરનું વાવેતર : પાક અનુસાર જોઈએ તો સાણંદમાં સૌથી વધુ ડાંગરનું 3,105 હેકટરમાં વાવેતર કરાયું છે. જ્યારે કપાસનું સૌથી વધુ વાવેતર ધંધુકામાં 18,830 હેકટરમાં થયું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષમાં કુલ સરેરાશ વાવેતરનો આંકડો 4 લાખ હેક્ટરને પાર પહોંચી ચૂક્યો છે. પ્રતિવર્ષ વાવેતરના વિસ્તારમાં થઈ રહેલો વધારો અવિરત રહેશે તો ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો થશે તેવી આશા સેવાઇ રહી છે.