અમદાવાદ : અમદાવાદ શહેર સતત વિકસતું જતું મહાનગરોમાંનું એક છે. અમદાવાદ શહેરની હદમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. તેમ આજકાલ ગુનાખોરીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તેમાં ખાસ કરીને બાળકોમાં પણ ગુનાઓનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદ શહેરની હદમાં સતત વધારો થવાના કારણે અમદાવાદના પોલીસ સ્ટેશનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ સિટી અને જિલ્લામાં કુલ 75 જેટલા પોલીસ મથકો છે. પરંતુ આ બધા વચ્ચે માત્ર એક જ જુવેનાઇલ બોર્ડ છે. ત્યારે હવે આ બોર્ડની વધારે રચના માટે માંગ કરવામાં આવી છે.
એક જ જુવેનાઇલ બોર્ડ : અમદાવાદ સિટી અને ગ્રામ્ય વચ્ચે માત્ર એક જ જુવેનાઇલ બોર્ડ હોવાના કારણે કેસોનું ધારણ સતત વધી રહ્યું છે. જેના કારણે બાળ આરોપીઓના સજામાં કે ન્યાયમાં પણ વિલંબ થઈ રહ્યો છે. એટલું જ નહીં એવા ઘણા બધા કેસો છે જે વર્ષોથી ચાલી રહ્યા છે જેનો અત્યાર સુધી નિકાલ થઈ જવું જોઈએ, પરંતુ એક જ જુવેનાઈલ બોર્ડ હોવાના કારણે એનું પણ હજુ સુધી પ્રશ્ન ઉકેલાયો નથી. બાળ આરોપીઓના જામીન અરજીમાં, ન્યાય પ્રક્રિયામાં, સજામાં, વિવિધ પ્રકારની અરજીઓમાં વિલંબ થવાના કારણે જુવેનાઇલ બોર્ડની સંખ્યા વધારવા માટે માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો રમત બાબતે ઝગડો થતા મિત્રએ મિત્રની કરી હત્યા
બાળ ગુનેગારોને ખૂબ જ તકલીફ પડી રહી છે : મેટ્રોપોલિટન કોર્ટ એસોસિએશનના પ્રમુખ ભરત શાહે જણાવ્યું હતું કે, અમદાવાદ અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં કુલ 75 પોલીસ સ્ટેશનનો છે. જયારે જુવેનાઇલ બોર્ડ એક છે. જનરલી અહીંયા જે રીતે કોર્ટોની રચના છે તેમાં બે ત્રણ પોલીસ સ્ટેશન દીઠ એક કોર્ટ હોય છે. જ્યારે અહીંયા તો 75 પોલીસ સ્ટેશન દીઠ એક જ કોર્ટ છે. બાળ ગુનેગારોને ખૂબ જ તકલીફ પડી રહી છે.
મહેસાણા મોકલવામાં આવે છે : અમુક કેસોમાં એવું પણ બનતું હોય છે કે બાળ અપરાધીઓના જામીન વખતે જુવેનાઇલ બોર્ડના પ્રમુખ દ્વારા જામીન વખતે પ્રોબેશન ઓફિસરનો રિપોર્ટ માંગવામાં આવતો હોય છે પરંતુ પ્રોબેશન ઓફિસર્સના રિપોર્ટ બે કે ચાર દિવસે આવતા હોય છે. જેના કારણે બાળ અપરાધીઓને રિમાન્ડ માટે છેક મહેસાણા મોકલવામાં આવે છે. આના કારણે તેમના માનસિક સ્થિતિ ઉપર ખરાબ અસર થાય છે. અમુક વખતે આ બધા કારણો વર્ષ જુવેનાઇલને ઘણી વખત બિનજરૂરી રીતે બાળ સંરક્ષણ હોમમાં પણ રહેવું પડતું હોય છે. આ સાથે જ બીજો મોટો પ્રોબ્લેમ એ છે કે ત્યાં પાર્ટ ટાઇમ સ્ટેનો છે. એટલે લગભગ ત્રણ દિવસે ત્યાં સ્ટેનો જાય છે. જેના કારણે બાળકોના જે જામીન ઓર્ડર હોય છે એ ખૂબ જ ડીલે થાય છે.
આ પણ વાંચો ગુજરાતમાં જુવેનાઈલ જસ્ટિસ એક્ટ : કાયદાને લઇ થયો ચોંકાવનારો દાવો, જાહેર હિતની અરજી થઇ
અમદાવાદના ખાનપુરમાં સ્થિત છે જુવેનાઇલ બોર્ડ : અમદાવાદ શહેરની વસ્તી આશરે 84 લાખ જેટલી છે. જેમાં અમદાવાદ શહેરમાં કુલ 47 જેટલા પોલીસ સ્ટેશન છે અને ગ્રામ્યમાં આશરે 28 એટલે કે કુલ 75 જેટલા પોલીસ સ્ટેશન છે. અને આ બધા વચ્ચે એક જુવેનાઈલ બોર્ડ જે અમદાવાદમાં ખાનપુરમાં આવેલું છે. આ ખાનપુર સ્થિત બોર્ડમાં તમામ બાળ અપરાધીઓની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે.
કાર્યવાહીમાં ઘણી અવ્યવસ્થા : અમદાવાદ જિલ્લામાં બધા પોલીસ સ્ટેશન વચ્ચે માત્ર એક જ બોર્ડ હોવાના કારણે તમામ પોલીસ સ્ટેશનમાંથી બાળ અપરાધીઓને એક જ બોર્ડમાં લાવવામાં આવતા હોય છે. કોઈપણ પ્રકારના કેસને લગતા બાળ અપરાધીઓ સાથે તેમના વાલી અને પોલીસકર્મીઓ પણ આવતા હોય છે. જેના કારણે દિન પ્રતિદિન જે કેસોની સુનાવણી થતી હોય છે તેમાં એક જ જગ્યાએ પક્ષકારો તેમજ પોલીસ કર્મીઓ એકત્રિત થતા હોય છે આના કારણે કાર્યવાહીમાં ઘણી અવ્યવસ્થા સર્જાતી હોય છે.
શું છે જુવેનાઈલ એક્ટ? : બાળ ગુનાના સ્તરની ઘટાડવા માટે થઈને ગુજરાત રાજ્યમાં વૈધાનિક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્યમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2000 પણ અમલમાં છે. આ કાયદા હેઠળ 18 વર્ષ સુધીના છોકરાઓ અને છોકરીઓ કે જેવો અનાથ નિરાધાર સ્થિતિમાં જીવન જીવી રહ્યા હોય અથવા તો ભીખ માંગવા તરફ વળ્યા હોય તેમ જ જેઓ ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વધારે ઝુકાવ ધરાવતા હોય તેમને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વારા બાળ સંરક્ષણ ગૃહોમાં મૂકવામાં આવતા હોય છે. જ્યાં બાળ ગુનેગારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમના રક્ષણ માટે, સારવાર માટે, મનોચિકિત્સકની સલાહ લઈને તેમને ગુનાહિત પ્રવૃત્તિમાંથી પાછા વાળવા માટે, તેમની સાથે બાળ અને મૈત્રી પૂર્ણ અભિગમ અપનાવીને સમાજમાં પુનઃવર્સનની વ્યવસ્થા માટે પગલાં લેવામાં આવતા હોય છે.
જુવેનાઇલ કેસોનું ભારણ : મેટ્રોપોલિટન કોર્ટ એસોસિએશનના પ્રમુખ ભરત શાહે જણાવ્યું હતું કે મહત્વનું છે કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 4 મુજબ માત્ર જે જસ્ટિસ પાસે ચાઈલ્ડ સાયકોલોજી અને ચાઈલ્ડ વેલફેરનું જ્ઞાન અને ટ્રેનિંગ મેળવેલી હોય તેઓ જ જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના પ્રમુખ તરીકે કાર્યરત થઈ શકે છે. જેથી જે લોકો પાસે આ અંગેનું જ્ઞાન હોય તેમ જ ટ્રેનિંગ મેળવેલી હોય તેવા જ્યુડિશિયલ ઓફિસરોની સંખ્યા વધારવી જોઈએ. અમારા દ્વારા જે જુવેનાઇલ બોર્ડની રજૂઆત કરવામાં આવી છે તે પ્રમાણે ચાર કે પાંચ બોર્ડની વ્યવસ્થા હોવી જોઈએ. આવા સંજોગોમાં અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ મુદ્દે જરૂરી પગલાં લેવામાં આવે. જેનાથી જુવેનાઇલ કેસોનું ભારણ પણ ઘટશે અને ન્યાયિક પ્રક્રિયા પણ ઝડપથી થશે.