અમદાવાદ: વર્ષ 2002 ના ગોધરા કાંડના આરોપી હસને પોતાની ભત્રીજીઓના લગ્નમાં હાજરી આપવા માટે પેરોલ માટેની આ અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે તેની અરજી મંજુર કરી છે. હસનના એડવોકેટ એમ. એસ ભડકીએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે જેલમાં આચરણનો રેકોર્ડ ખૂબ જ સારો છે. તેમના અગાઉ પણ પેરોલ મંજૂર થયેલા છે.
સરકારનો વિરોધ: રાજ્ય સરકાર તરફથી આ પેરોલની અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે રજૂઆત કરતા જણાવ્યું હતું કે આરોપીએ આજીવન સજા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરેલી છે ત્યારે આવા સંજોગોમાં તેને પેરોલ આપી શકાય નહીં. આ સાથે જ રાજ્ય સરકારે એવી પણ રજૂઆત કરી હતી કે, આ સમગ્ર બાબત સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે ત્યારે ગુજરાત હાઇકોર્ટ આમાં હસ્તક્ષેપ કરી શકે નહીં.
સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ: ન્યાયાધીશ નિશા એમ ઠાકોરે, સમગ્ર સુનાવણી બાદ જણાવ્યું હતું કે સજા મોકૂફી તેમજ પેરોલ અને જામીન એ બને અલગ અલગ વિષયો છે. હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ અપીલની કાર્યવાહીમાં કોઈ જ દખલ કરતી નથી. હાઇકોર્ટે આ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ભારતના બંધારણની કલમ 226 હેઠળ પેરોલ રજા માંગતી અરજીઓની તપાસ કરવાનું હાઇકોર્ટ પાસે સત્તા છે.
શું છે સમગ્ર મામલો: ગુજરાતમાં વર્ષ 2002 માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન સળગાવવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર રાજ્યમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. આ કાંડના આરોપી સામે પંચમહાલના ગોધરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને સમગ્ર કેસ ગોધરાના કોર્ટમાં ચાલ્યો હતો જ્યાં આરોપી હસન આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આરોપીએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો જોકે ત્યાં પણ તેની સજાને યથાવત રાખવામાં આવી હતી.
સ્પેશ્યલ લીવ પિટિશન: આરોપી હસને વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લીવ પિટિશન દાખલ કરી હતી જોકે જેની અરજી હજુ પેન્ડિંગ છે. હસને જામીન માટે પણ અરજી દાખલ કરી હતી. જેની પર હાલ સુપ્રીમ કોર્ટમાં ચુકાદો પેન્ડિંગ છે.