- ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ 2 દિવસ ગુજરાતના પ્રવાસે
- નવ નિયુક્ત કમિટીના સભ્યો સાથે કરશે બેઠક
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભા માટે કરવામાં આવશે તૈયારી
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામ તૈયારીઓ કરી રહી છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી રાજીવ સાતવ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જ્યાં તેઓ નવનિયુક્ત કમિટી સાથે બેઠક કરશે અને સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા પણ કરશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને તૈયારીઓ શરૂ
રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને ચૂંટણી પંચે તૈયારીઓ આરંભી છે. જ્યારે રાજ્યની 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત તથા 6 મહાનગર પાલિકા અને 51 નગરપાલિકાની આવનાર સમયમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે 5 જાન્યુઆરીના રોજ પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે અને આખરી મતદાર યાદી જાન્યુઆરીના અંતના સપ્તાહ સુધી પ્રસિદ્ધ કરવામાં આવશે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ત્રિપાંખિયો જંગ જામ્યો છે.
આમ આદમી પાર્ટી દ્વારા પણ ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ
ભાજપ કોંગ્રેસ સાથો સાથ હવે આમ આદમી પાર્ટી દ્વારા પણ ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે તે નવનિયુક્ત કમિટી સાથે બેઠક કરશે અને આ બેઠકમાં ચૂંટણીની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવશે તથા બૂથ લેવલને કઈ રીતે મજબુત કરવું તે અંગે વિચાર વિમર્શ કરવામાં આવશે.
કોંગ્રેસ વિધાનસભાની પણ કરાશે તૈયારીઓ
ગુજરાતના પ્રવાસે આવેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સાથે-સાથે હવે આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને પણ સમીક્ષા કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવનું માનવું છે કે, છેલ્લા કેટલાય સમયથી બૂથ મજબૂત ન હોવાથી તેનો સીધો ફટકો ગુજરાત કોંગ્રેસને પડી રહ્યો છે. તેથી બૂથ મજબૂત કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા આશ્વસ્ત છીએ જેને લઇ કમિટીઓ સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને આવનારી વિધાનસભાની ચૂંટણી માટે બે દિવસ સુધી સમીક્ષા બેઠક કરવામાં આવશે અને તેમાં કેટલાક નિર્ણયો પણ કરવામાં આવી શકે છે જોકે મહત્વની બાબત એ પણ છે કે, છેલ્લા કેટલાય સમયથી ગુજરાત કોંગ્રેસ તૂટી રહી છે. કારણ કે, પેટાચૂંટણીમાં 8 સીટ પર કારમો પરાજય થયા બાદ ગુજરાતને સમર્થન પણ મળતું ન હોવાનું સ્પષ્ટ થયું હતું.