કણભાઃ અમદાવાદના ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના કુબડથલ ગામ ખાતે એક વિધવાની હત્યાનો ગુનો કણભા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ મૃતક વિધવા હંસાબેન દશરથજી ઠાકોરની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. આ બાબતે મૃતકના દેરાણી સુશીલાબેન ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી. કણભા પોલીસે ગુનો નોંધીને સત્વરે તપાસ હાથ ધરી હતી. તપાસના ચક્રો ગતિમાન થયાના ગણતરીના કલાકોમાં કણભા પોલીસે હત્યારાને દબોચી લીધો છે.
પ્રેમીએ જ કરી હતી કરપીણ હત્યાઃ વિધવાની હત્યા તેમના પ્રેમી ચેતનસિંહ ઓર ઉર્ફે મહેન્દ્રસિંહે કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હત્યાના સમયે બંને પ્રેમીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ બોલાચાલીને પરિણામે પ્રેમી ચેતનસિંહે સાન-ભાન ગુમાવી દીધી હતી. તેણે આવેશમાં આવીને દાતરડાના અનેક ઘા પેટે અને છાતીમાં મારીને વિધવાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા ચેતનસિંહને ગણતરીના કલાકોમાં કણભા પોલીસે ઝડપી લીધો છે.
સમગ્ર ઘટનાક્રમઃ છ મહિના અગાઉ કુબડથલ ગામે હંસાબેનના ઘરની સામે આવેલી કંપનીમાં આરોપી ફેબ્રિકેશનનું કામ કરતો હતો. આ સ્થળે બંને વચ્ચે પરિચય થયો. આ પરિચય પરિણયમાં ફેરવાયો. બંને પ્રેમીઓ મોબાઈલ પર પ્રેમાલાપ પણ કરતા હતા. આરોપી ચેતનસિંહ પ્રેમિકા હંસાબેનના ઘરે અવારનવાર જતો હતો અને રોકાતો હતો. થોડા મહિના બાદ ચેતનસિંહને પ્રેમિકા હંસાબેનના ચારિત્ર્ય બાબતે શંકા જતા બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. હત્યાની રાત્રે ચેતનસિંહ પ્રેમિકાના ઘરે ગયો. હંસાબેને આરોપીને ઘરે ન આવવા અને સંબંધ ન રાખવાનું કહેતા આરોપી ગુસ્સે થયો હતો.આવેશમાં આરોપીએ હંસાબેનની દાતરડાથી હત્યા કરી દીધી.
આરોપી અને મૃતક વચ્ચે પ્રેમસંબંધ હતો. આરોપી મહિલાના ઘરે પણ અવારનવાર રોકાતો હતો.ઘટના બની તે મોડી રાત્રે બન્ને વચ્ચે ચારિત્ર્ય બાબતે ઝધડો થતાં મહિલાએ આરોપી સાથે સંબંધ તોડી નાખવાનું જણાવતા તેણે આ હત્યાને અંજામ આપ્યો છે. આરોપી છૂટક મજુરી કરે છે. હાલ તેની વધુ તપાસ ચાલુ છે...અમિતકુમાર વસાવા (SP, અમદાવાદ ગ્રામ્ય)
સઘન પોલીસ તપાસઃ આ ઘટના બાદ ચેતનસિંહે ગુનામાં વાપરેલું દાતરડું હંસાબેનના શરીર પાસે જ મુકી દીધું. પોતાના ઘરે જતો રહ્યો હતો અને મોબાઈલ બંધ કરી દીધો હતો. કણભા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તેના ઘર અને અન્ય જગ્યાઓ પર તપાસ કરી અંતે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.