છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરનું તાપમાન ૪૨ ડિગ્રીની આસપાસ રહ્યું હતું, જેના કારણે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જે બાદ બુધવારે શહેરનું તાપમાન ૪૪ ડિગ્રીને પાર થઇ ગયું હતું. રાજ્યના પાટનગર ગાંધીનગરનું તાપમાન ૪૪.૪ ડિગ્રી રહેતા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.
અન્ય શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરનું તાપમાન ૪૪.૩ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન ૪૪ ડિગ્રી પહોંચી ગયું હતું. ડીસા ૪૩.૪ ડિગ્રી, વલ્લભવિદ્યાનગર અને રાજકોટનું તાપમાન ૪૨.૫ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વડોદરા ૪૧.૯ ડિગ્રી, ભાવનગર અને ભુજ ૪૧.૫ ડિગ્રી અને સુરત ૩૬.૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા સમગ્ર રાજ્યમાં ગરમીનો આતંક ચાલુ રહ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ, અમરેલી, અમદાવાદ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હિટ-વેવની આગાહી આપવામાં આવી છે અને અમદાવાદ શહેરમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કોઇ પણ કારણ વિના બપોરના સમયમાં બહાર ન નીકળવા અને દિવસભર કોટનના સુતરાઉ કપડાં પહેરવા હવામાન વિભાગ દ્વારા સુચન આપવામાં આવ્યું છે.
બુધવારે અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન ૪૪ ડિગ્રીને પાર કરતા અને હવામાન વિભાગ દ્વારા યલો અલર્ટ જાહેર કરાતા આગામી બે થી ત્રણ દિવસ પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે અને વરસાદની કોઇ જ સંભાવના નથી.