અમદાવાદ: અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર વહેલી સવારે થયેલ અકસ્માતમાં 9 જેટલા લોકોના મૃત્યુ થયા છે. ઘણા પરિવાર એવા હતા કે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. જ્યારે અમુક પરિવારે પોતાનો મોભીને ગુમાવ્યા છે. કોઈ માએ પોતાનો લાડકવાયો દીકરો ગુમાવ્યો છે. તેમની ઉંમર પણ 20 થી 25 વર્ષની જ ગણવામાં આવી રહી છે. જેના કારણે પરિવાર પર આપ ફાટ્યું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી આવ્યા છે.
'નીરવ ઘણા સમયથી અમદાવાદમાં હોસ્ટેલમાં રહેતો હતો. પોતાનો અભ્યાસ પણ અમદાવાદમાં જ પૂર્ણ કર્યો હતો. નીરવ તે પોતાના પિતાનો એકનો એક પુત્ર હતો. જેને 12 ધોરણ પાસ કર્યા બાદ કમ્પ્યુટરનો કોર્સ કર્યો હતો. પરંતુ તેને કમ્પ્યુટરમાં વધારે રસ ન પડતા તેને ટુ વ્હીલર અને ફોર વિહીલર રીપેરીંગની શરૂઆત કરી હતી. રીપેરીંગ કામથી પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હતો.' -ઈશ્વર આચાર્ય, મૃતક નીરવના કાકા
પરિવાર પર આભ ફાટ્યું: નીરવના અકસ્માતના સમાચાર સાંભળતા જ તેના પરિવાર પર જાણે આભ ફાટ્યું હોય તેવું જોવા મળી રહ્યું હતું. કારણ કે, તેમને પોતાના પરિવારનો એકનો એક લાડકવાયો દીકરો ગુમાવ્યો હતો. દીકરાને કોઈપણ પ્રકારનું વ્યસન કે કોઈપણ પ્રકારની આડી અવળી લત પણ જોવા મળતી ન હતી. ઘરનું ભરણપોષણ પણ નિરવ જ પૂરું કરતો હતો. પોતાના પિતાની ઉંમર હોવાને કારણે વધારે પ્રમાણમાં કામ કરી શકતા ન હતા જેથી કરીને પુત્ર થોડીક વધારે મહેનત કરીને મદદરૂપ થતો હતો.
ટૂંક સમયમાં થવાના હતા લગ્ન: નિરવની હાલ 22 વર્ષની ઉંમરે હતી. જેના કારણે તેના પરિવારના લોકોએ તેના લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરિવારજઓ પણ નીરવ માટે છોકરી શોધવાની પણ શરૂઆત કરી હતી. જેમાં બે ત્રણ છોકરીઓ પણ પસંદ કરીને વાતચીત ચાલી હતી. નિરવના લગ્નને લઈને માતા-પિતા પણ ખૂબ ઉત્સાહિત હતા કારણ કે પોતાના એકના એક દીકરાના લગ્ન થવા જઈ રહ્યા હતા.
મિત્રો સાથે બાવળા ગયો હતો: નિરવ એક મિકેનિક હતો. જેના કારણે એક ગેરેજમાં નોકરી કરતો હતો. જ્યાં તેને બાવળા રીપેરીંગ કરવા જવાનું થયું હતું અને જ્યારે તેના મિત્રો સાથે તે બાવળાથી અમદાવાદ પરત આવી રહ્યો હતો. તે સમયે તેના મિત્રો અને નિરવે ઇસ્કોન બ્રિજ ઉપર અકસ્માત થયેલો જોયો તે સમયે નિરવે પોતાના મિત્રોને ગાડીમાં જ બેસાડી રાખ્યા અને પોતે જ તે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને મદદરૂપે પહોંચ્યો હતો. પરંતુ તે બચાવવાની જગ્યાએ પોતે જ મોતને ભેટ્યો.