અમદાવાદઃ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે સોલા ગામ વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા ગણપત દંતાનીએ ઘરમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ૧૩મી મેના રોજ જ્યારે પરિવારના અન્ય સભ્યો રાત્રે સૂઈ રહ્યા હતા ત્યારે તેમણે ફાંસો ખાઈ આપઘાત કરી દીધો હતો. સારવાર માટે તેમને સોલા સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ સમગ્ર ઘટના અંગે આકસ્મિક ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ મુદ્દે વાતચીત કરતા ખેડૂતના પત્ની સરોજ દંતાણી પોલીસને જણાવ્યું હતું કે, તેમના પતિ આસપાસની જમીન ભાડે લઈ કાકડીની ખેતી કરતા હતા. લૉકડાઉન લંબાવતા તેઓ કાકડી વેચી શકતા ન હતા અને ભાડા સહિત અન્ય ખર્ચનો ભારણ વધતા તેમણે આ પગલું ભર્યું છે. મૃતક ખેડૂતને પાંચ દીકરી અને એક પુત્ર છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે 19મી મે સુધીમાં ગુજરાતમાં કુલ 12000થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી 8800 જેટલા અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 700થી વધુ દર્દીઓના કોરોનાથી મોત થયા છે.