અમદાવાદઃ શહેરથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલા ધોળકામાં રવિવારે કોરોના નવા 03 પોઝિટિવ કેસ સામે આવતા તંત્રમાં નાસભાગ મચી હતી. જિલ્લામાં ધોળકા તાલુકામાં સૌથી વધુ 49 પોઝિટિવ કેસ બાદ હવે દસ્ક્રોઇ તાલુકામાં કુલ 47 નોંધાયા છે. આ સિવાય વિરમગામમાં પણ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાથી માત્ર બે લોકોના મોત નિપજ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંપર્કમાં આવનાર 528 લોકોને હોમ-ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
અમદાવાદના ગ્રામીણ અને જિલ્લામાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે, જેમાં 1.07 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 27 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 27 હજાર જેટલા ઘરોનું સર્વિલન્સ કરવામાં આવ્યું છે. ગત સોમવારે દસ્ક્રોઈ તાલુકામાં નવા 08 કેસ પોઝિટિવ આવતા કુલ આંકડો 54 પર પહોંચ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. દસક્રોઈમાં 47, ધોળકામાં 49 અને સાણંદમાં 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.