અમદાવાદ : અમદાવાદનાં વટવા વિસ્તારમાં રહેતા રહેમાન ખાન પઠાણે આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેઓને સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. રહેમાનખાનની પત્નીના તેઓની સાથે આ બીજા લગ્ન હોય અગાઉના લગ્નથી તેઓની પત્નીને એક દીકરી છે. જેના લગ્ન વર્ષ 2020માં ખાનપુર ખાતે રહેતા ઉમર ઈરફાન શેખ સાથે થયા હતા અને તેને સંતાનમાં એક 7 માસનો દિકરો છે. છેલ્લાં 3 વર્ષથી તેઓની દીકરી તેઓના નજીક જ ફ્લેટમાં પતિ સાથે ભાડે રહેતી હતી.
પતિ હોસ્પિટલમાંથી ફરાર : 20મી જૂન 2023ના રોજ રાતના સમયે ફરિયાદી કામ પર હતા ત્યારે બ્લોકમાં રહેતા આસિફભાઈની પત્નીએ તેઓને ફોન કરીને તેઓની દીકરીએ ગળેફાંસો ખાધો હોવાની જાણ કરી હતી. તેઓ ઘરે પહોંચતા દીકરીનો પતિ ઘરમાં હાજર હતો અને બાદમાં દીકરીને 108 બોલાવી એલજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી. જે બાદ ફરિયાદી રહેમાનખાન પઠાણનો જમાઈ કોઈને પણ કહ્યા વિના હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો અને પત્નીની અંતિમ વિધિમાં પણ હાજર રહ્યો ન હતો.
આ અંગે ફરિયાદ નોંધાયા બાદ આરોપીની તપાસમાં પોલીસ લાગી હતી. હાલ આરોપીને ઝડપી તેની પુછપરછ હાથ ધરવામાં આવી છે... કે. એ. ગઢવી(વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ)
પતિ વારંવાર મરી જવા કહેતો : ફરિયાદીના આક્ષેપ મુજબ તેઓની દીકરીનો પતિ ઉમર ઈરફાન કઈ કામધંધો કરતો ન હોય, અવારનવાર ફરિયાદીની દિકરી પાસે પૈસા માંગતો હોય અને જેને લઈને બન્ને વચ્ચે ઝઘડો થતો હતો. વધુમાં ફરિયાદીની દીકરીને પૈસા માગી ત્રાસ ગુજારતો હતો તેમજ તુ મરી જા મને કઈ ફરક પડશે નહીં. તારા મર્યા પછી હું બીજા લગ્ન કરી લઈશ. આવા શબ્દોનો પ્રયોગ કરીને દીકરીને હેરાન કરતો હતો. જે વાત તેઓની દીકરી ઘરે આવતી ત્યારે કરતી હતી.
આરોપીની ધરપકડ : જેથી પતિ દ્વારા આપવામાં આવતા ત્રાસના કારણે કંટાળીને યુવતીએ છેવટે આપઘાત કર્યો હતો. આ મામલે વટવા પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ મામલે પોલીસે તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે.