અમદાવાદ : હાલમાં ટાટા આઈપીએલ ક્રિકેટ મેચો રમાઇ રહી છે. ત્યારે ક્રિકેટશોખીન ટીઆરબી જવાને મેચ જોવા માટે ગુનો આચરી નાંખ્યો હતો. અમદાવાદ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતાં ટીઆરબી જવાને મેચ જોવા માટે આઈકાર્ડ બતાવી દીધું હતું. તેણે ટ્રાફિક ડીસીપી સફિન હસનને આઇકાર્ડ બતાવ્યું હતું. ટીઆરબી જવાનને કોઇ આઈકાર્ડ હોતાં નથી ત્યારે વિશાલ પટણી નામના ટીઆરબી જવાને આઇકાર્ડ બતાવતાં તેને પકડી લેવાયો હતો
ગુનો નોંધી ધરપકડ કરી : શહેરમાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવનાર એક શખ્સ થોડા સમય પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી મેચ જોવા પહોંચ્યો હતો. ત્યાં ટ્રાફિક ડીસીપી સફિન હસન તેમની ટીમ સાથે હાજર હતા. ત્યાં ટીઆરબી જવાને તેનું આઇકાર્ડ બતાવ્યુ હતું. ટીઆરબી જવાનોને કોઇ આઇકાર્ડ ન હોવા છતાં તેણે આઇકાર્ડ બતાવતા તે શંકાસ્પદ લાગ્યો હતો. જેથી તેને ત્યારે પકડી પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં તેણે આ આઇકાર્ડ દિલ્લી દરવાજા પાસે અનઅધિકૃત રીતે છપાવ્યુ હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.
આ પણ વાંચો |
અનઅધિકૃત ટીઆરબી કાર્ડ : માધવપુરા પોલીસ સ્ટેશનના PI આઇ.એન. ઘાસુરાએ જણાવ્યું કે આ બાબતે ટ્રાફિક પોલીસે તપાસ સોંપી હતી. જેમાં તપાસ કરી બે લોકો સામે ગુનો નોંધ્યો છે. વિશાલ પટણી ટીઆરબીમાં છે પણ ટીઆરબી જવાનના કોઇ આઇકાર્ડ હોતા નથી અને તેણે અનઅધિકૃત રીતે આ કાર્ડ છપાવ્યું હતું. જે અંગેની કોઇ સત્તા ન હોવા છતાંય આઇકાર્ડનો ફર્મો બનાવી છપાવતો હોવાથી ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
વિશાલ પટણીએ જાતે બનાવ્યું આઇકાર્ડ : અમદાવાદ પૂર્વમાં ટ્રાફિક પોલીસની ફરજ બજાવતા એએસઆઈ વીરેન્દ્રસિંહ ગત 25મી એપ્રિલના રોજ સ્ટેડિયમ ખાતે ટાટા આઈપીએલ મેચના બંદોબસ્તમાં હાજર હતાં. ત્યારે ટ્રાફિક ડીસીપી સફિન હસન પણ તેમની ટીમ સાથે ત્યાં હાજર હતા. ત્યારે એક શખ્સ ત્યાં આવ્યો હતો અને તેણે મેચ જોવા માટે સ્ટાફમાં હોવાનું જણાવી ટીઆરબી જવાન હોવાનું કહી આઇકાર્ડ બતાવ્યુ હતુ. આ વ્યક્તિએ પોતાનું નામ વિશાલ પટણી જણાવ્યું હતું.
માનવ પ્રિન્ટમાં બનાવડાવ્યું : આ સમયે પોલીસ ટીમને આ આઇકાર્ડ પ્રથમ દ્રષ્ટિએ શંકાસ્પદ લાગતા આઇકાર્ડ બાબતે પૂછ્યુ હતું. ત્યારે આ વ્યક્તિએ બાદમાં હાજર રહી દિલ્હી ચકલા પાસે વૈભવ લક્ષ્મી કોમ્પલેક્સમાં આવેલા માનવ પ્રિન્ટમાં બનાવડાવ્યું હોવાની કબૂલાત કરી છે. તે અંગે ટ્રાફિક પોલીસે માધવપુરા પોલીસને જાણ કરતા પોલીસે તપાસ કરવામાં આવી હતી અને માનવ પ્રિન્ટના માલિક રીતેશ સોલંકીની પૂછપરછ કરી તપાસ શરૂ કરી હતી. રીતેશ સોલંકીએ કબૂલાત કરી હતી તે આ આઇકાર્ડ તેઓએ છાપ્યું હતું.
કલર પ્રિન્ટ કાઢી હતી : ટીઆરબી જવાને આ આઇકાર્ડ બનાવી તૈયાર કરી કલર પ્રિન્ટ કાઢી લેમિનેશન કરાવ્યુ હતું. કોઇ પણ પ્રકારના નિમણૂકપત્રના કે કોઇ અધિકૃત લેટર ન હોવા છતાં આઇકાર્ડ બનાવડાવતા પોલીસે વિશાલ પટણી અને રીતેશ સોલંકી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.