અમદાવાદ : ઘમંડ કરા કર બાપુ, તુને કુત્તે બીલ્લે નહીં શેર પાલા હૈ... આવા ડાયલોગ સાથે ફિલ્મી ઢબે તલવારો હાથમાં રાખીને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી એક મહિલાના ઘર પર હુમલો કરનારા આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે. બાપુનગર વિસ્તારમાં એક સપ્તાહ પહેલા વાયરલ થયેલા વિડીયો અને સીસીટીવીના આધારે પોલીસે તપાસ કરી ગુનામાં સામેલ બે આરોપીઓની ધરપકડ કરી છે.
9 તારીખે મચાવ્યો હતો હોબાળો : અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મણીલાલ મથુરદાસની ચાલીમાં 9મી ફેબ્રુઆરીના રાતના 11:45 વાગે આસપાસ બે શખ્સોએ હાથમાં તલવારો લઈને મહિલાના ઘર બહાર હોબાળો કરીને નુકસાન કર્યું હતું. તેમજ બહાર પડેલા વાહનો પણ સળગાવ્યા હતાં. આ ઘટના ઘરની બહાર લાગેલા સીસીટીવીમાં ઘટના કેદ થઈ હતી. જે સીસીટીવી વાયરલ થતા પોલીસે ત્વરિત તપાસ કરીને ગુનામાં સામેલ બંને યુવકોની ધરપકડ કરી છે. આ મામલે બાપુનગર પોલીસે મોહમદ સરવર ઉર્ફે કડવો ભાડભુજા તેમજ મોહમદ અરસદ ઉર્ફે અન્ની રાજપુતની ધરપકડ કરી છે.
આ પણ વાંચો Bapunagar Vehicle Fire : બાપુનગરમાં અડધી રાત્રે એક વ્યક્તિ ગાડીમાં આગ લગાવી ફરાર
આરોપીઓના તોડફોડ સમયના સીસીટીવી પણ હતાં : મહત્વનું છે કે આરોપીઓ દ્વારા જે પ્રકારે ખુલ્લી તલવાર સાથે ચાલીમાં આતંક મચાવવામાં આવ્યો હતો, તે બાબતને ધ્યાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. આ આરોપીઓના તોડફોડ સમયના સીસીટીવીની સાથોસાથ સોશિયલ મીડિયા ઉપર બનાવવામાં આવેલી એક રીલ પણ વાયરલ થઈ હતી, જેમાં એક સ્કૂટર ઉપર સવાર ત્રણ શખ્સો હાથમાં તલવાર લઈને ફિલ્મી ડાયલોગ ઉપર રીલ બનાવતા નજરે પડ્યા હતા. જેમાં "ઘમંડ કરા કર બાપુ, તુને કુત્તે બીલ્લે નહીં શેર પાલા હૈ". આ પ્રકારે ડાયલોગ બાજી કરવામાં આવી હતી, જોકે રીલ બનાવનાર બંને શેરને બાપુનગર પોલીસે પાંજરામાં પૂરીને કાયદાનો પાઠ ભણાવ્યો છે.
મહિલાએ આરોપીઓ સાથે સમાધાન કરી લીધું હતું : મહત્વનું છે કે જે મહિલાના ઘરે આરોપીઓએ તલવારો સાથે હુમલો કર્યો હતો, તે મહિલાએ આરોપીઓ સાથે સમાધાન કરી લીધું હતું અને જે બાબતનું એફિડેવિટ પણ પોલીસ સમક્ષ રજૂ કર્યું હતું. પરંતુ આરોપીઓ દ્વારા જે પ્રકારે જાહેરમાં કૃત્ય કરવામાં આવ્યું હોવાથી પોલીસે સરકાર તરફથી ગુનો દાખલ કરીને બંને આરોપીઓને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ મુદ્દે અદાવત હતી : આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી સરવરને મહિલાની ભત્રીજી સાથે પ્રેમ સંબંધ હોઇ, જે બાબતની અદાવત રાખીને થોડાક સમય પહેલા જ મહિલાના પરિચિત દ્વારા સરવરના ઘરે જઈને હોબાળો કરવામાં આવ્યો હતો. આની અદાવત રાખીને આરોપીએ આ ગુનાને અંજામ આપ્યો હતો.
ગુનામાં વપરાયેલ હથિયાર જપ્ત : પકડાયેલા આરોપીઓની ધરપકડ કરીને પોલીસે તેઓની પાસેથી ગુનામાં વપરાયેલ હથિયાર જપ્ત કર્યા છે. આરોપીઓની વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે મોહમદ સરવર ઉર્ફે કડવો ભાડભુજા અગાઉ લૂંટ, મારામારી જેવા 20 જેટલા ગુનાઓમાં ઝડપાઈ ચુક્યો છે અને પાસા પણ ભોગવી ચુક્યો છે. જ્યારે અન્ય આરોપી મોહમદ અરસદ ઉર્ફે અન્ની રાજપુત અગાઉ સાત જેટલા ગુનામાં ઝડપાયો છે. થોડા દિવસો અગાઉ તેણે એક યુવકને રોકી રોકડ અને મોબાઈલની લૂંટ કરી હતી.
સરકાર તરફથી ગુનો દાખલ : આ સમગ્ર મામલે હાલ તો પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે જોકે આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયામાં બનાવવામાં આવેલા રીલ બાબતે તેઓની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનના PI એસ.એન પટેલે જણાવ્યું હતું કે થોડાક દિવસો પહેલા વાયરલ થયેલા સીસીટીવીમાં દેખાતા શખ્સો મામલે તપાસ કરતા મહિલાનો સંપર્ક કરાયો હતો, જોકે મહિલાએ આ મામલે ફરિયાદ કરવાની ના પાડતા અને આરોપીઓ સાથે સમાધાન થયું હોવાનું જણાવતા આ ગંભીર ગુનો હોય જેથી સરકાર તરફથી ફરિયાદ દાખલ કરીને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં તેઓની સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.