અમદાવાદઃ શહેરમાંથી એક એવી ક્રુરતાની હદ પાર કરતી ઘટના સામે આવી છે. જેમાં ચોરીની આશંકાથી પકડેલા યુવકને ઢોરની જેમ માર મારવામાં આવ્યો હતો. ઢાર તો ઠીક છે પણ એના પેન્ટમાં કપચી અને પથ્થર નાંખીને કમરથી નીચેના ભાગે બેલ્ટથી ફટાકારવામાં આવ્યો હતો. જેમાં બે આરોપીએ એવો માર માર્યો કે, યુવાનનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.
શું થયું હતુંઃ અમદાવાદ શહેરના વિસ્તાર એવા દાણીલીમડા બેરલ માર્કેટમાં મુજીબ અન્સારી રહે છે. જે સિલાઈકામ કરે છે. તેનો એક ભાઇ નદીમ માતા સાથે ફૈઝલનગરમાં રહેતો હતો. ગત 15મી જુનના રોજ વહેલી સવારે એક મહિલા સહીત સાત લોકો મુજીબના ઘરે આવ્યા હતા. તેના ભાઇએ ચોરી કરી હોવાનું કહી નદીમને લઇને આવ્યા હતા. જેથી મુજીબે ટોળામાં રહેલી મહિલાને કહ્યું કે, જો તેના ભાઇએ ચોરી કરી હોય તો તેને પોલીસને સોપી દો. આ તમામ શખ્સો નદીમને રીક્ષામાં બેસાડીને તેનું અપહરણ કરીને કસાઇ જમાતની ચાલીમાં લઈ ગયા હતા.
અપહરણ કર્યુઃ કસાઇ જમાતની ચાલીમાં આ યુવાનને દોરડાથી ખુરસી સાથે બાંધી રૂમમાં બંધ કરી દીધો હતો. બાદમાં તેને દંડાથી માર મારી તેના હોંશમાં આવતા પરિવારને સોંપી દીધો હતો. યુવકને તેના પરિવારજનો હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં એનું મોત નિપજ્યુ હતું. જેને લઇને દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ મહિલા જ્યારે યુવક માર ખાઈ રહ્યો હતો એ સમયે બેલ્ટથી મારનારને ઉશ્કેરી રહી હતી. પોલીસ તપાસ દરમિયાન હકીકત જાણવા મળી હતી.
આ અંગે ફરિયાદ નોંધીને તમામ આરોપીઓને પકડી લીધા છે. અને તેઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ બનાવ પાછળનું કારણ ખરેખર શું હતું તે અંગે આરોપીઓની તપાસ હાથ ધરાઈ છે. જી.જે રાવત (દાણીલીમડા પોલીસ સ્ટેશનના PI)
ધમકી ઉચ્ચારીઃ આ પછી આરોપીઓએ બપોરે નદીમની બહેનને ફોન કરીને તેમના ભાઇને લઇ જવાનું કહ્યું હતું. એ સમયે યુવાનનું સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. આરોપીઓએ નદીમની બહેનને ધમકી આપી હતી. પોલીસ ફરિયાદ કરશો તો હજુ મારીશું. માતા અને બહેને જોયુ તો નદીમને ગંભીર ઇજાઓ થઈ હતી. શરીરમાંથી લોહી નીકળતું હતું. નદીમે પરિવારજનોને જણાવ્યુ કે, મને ચોરીના આરોપ પર આશંકામાં માર મારવામાં આવ્યો છે.
કોણ છે આ લોકોઃ રેહાનાબાનુ શેખ, શાહરુખ હશન શેખ, આમિર હશન શેખ, સમીરખાન ઉર્ફે જાંજરૂ સિપાઈ, મોહમંદ હમદ ઉર્ફે સોનુ શેખ, અયુબ ઉર્ફે પોટલી પઠાણ અને સોહિલ ઉર્ફે ઘીએ ભેગા મળીને યુવકનું અપહરણ કર્યું હતું. બેહદ મારને કારણે નદીમ બેભાન થઇ ગયો. એલજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નદીમનું મોત થતાં કેસ મર્ડરમાં પરિવર્તિત થઈ ગયો. પોલીસ તપાસ કરી રહી છે કે, આખરે હકીકત શું હતી.