અમદાવાદ: પ્રેમ કરવો ગુનો નથી પરંતુ આંધળો પ્રેમ કરવો પણ સારું નથી. આંધળા પ્રેમના કારણે જીંદગી ઉપર પનોતી બેસી જાય જેના કારણે પ્રેમ સમજી વિચારીને કરવો જોઇએ. વાયદાઓ તો લોકો સાત સાત ભવના કરી આપે છે. પરંતુ એ વાયદા પૂરા થાય તો કહી શકાય સાચો પ્રેમ. બાકી રોજ દિવસના ઘણા કેસ સામે આવે છે જેમાં પ્રેમના નામે ક્રાઇમ થઇ રહ્યા છે. આનંદનગર પોલીસ સ્ટેશનમાં 30 વર્ષીય યુવતીએ તેની સાથે પરિચયમાં આવી પ્રેમ સંબંધ બાંધી શરીર સંબંધ બાંધ્યો હોવાની ફરીયાદ પરિણીત પ્રેમી સામે નોંધાવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો Ahmedabad Crime : વટવામાં જાહેરમાં યુવકની હત્યાનો પ્રયાસ, હુમલાની ઘટનાના સીસીટીવી મળ્યાં
મોબાઇલ નંબરની આપ લે: મૂળ રાજસ્થાન તથા બનાસકાંઠાની 30 વર્ષીય રાજલ (નામ બદલેલ છે) ત્રણ મહિનાથી અમદાવાદના નરોડા વિસ્તારમાં રહે છે. રાજલ એક કંપનીમાં નોકરી કરે છે. વર્ષ 2021માં આ રાજલ હિમાચલ પ્રદેશ ફરવા માટે ગઇ હતી. તે દરમિયાન હિમાચલ પ્રદેશ ખાતે એક હોટલમાં જ્યારે આ રાજલ રોકાય ત્યારે હોટલના પાર્ટનર પુનીત ઢીંગરા સાથે તેની મુલાકાત થઇ હતી. તેણે રાજલને આજુ બાજુની જગ્યા પણ બતાવી હતી. આ દરમિયાન બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ લે કરી હતી. બંને એકબીજા સાથે આજુબાજુ ફરવા બાબતેની વાતચીત કરતા હતા.
પ્રેમસબંધ બંધાયો: એકાદ મહિના પછી પુનિતે રાજલ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. થોડા મહિના પછી બંને જયપુર ખાતે મળ્યા હતા. ફરીથી રાજલ તેના મિત્રો સાથે મેક્લોડગંજ ખાતે ફરવા માટે ગઇ હતી. જ્યાં તેના પ્રેમી પુનીતની હોટલ હોસ્ટલર ખાતે મિત્રો સાથે યુવતી રોકાઇ હતી. આ દરમિયાનમાં પુનીત અવાર નવાર રાજલના શરીર પર હાથ ફેરવી અડપલા કરતો હતો. બાદમાં પુનિતે ધંધા માટે પૈસાની જરૂર છે, તેમ કહી વિશ્વાસ કેળવી બે લાખ યુવતી પાસે પડાવ્યા હતા. થોડા સમય બાદ બંનેએ મળવાનું નક્કી કરી અમદાવાદની YMCA ક્લબ ખાતે રૂમ બુક કરાવી રોકાયા હતા. ત્યારે પુનિતે રાજલને લગ્ન કરવાની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારે રાજલે પુનિતનો મોબાઇલ ફોન જોતા પુનીતના લગ્ન થઇ ગયા હોવાનું અને તેને એક દીકરી પણ હોવાનું માલૂમ થતાં પુનીતને તે બાબતે પૂછતાં તેણે છૂટાછેડા લેવાની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવી લગ્ન માટે યુવતીને ખોટા વાયદા કર્યા હતા.
તારાથી મન ભરાઇ ગયુ: જે બાદ બંને જણા ફરીથી જયપુરમાં એક હોટલમાં મળ્યા હતા. ત્યાં પણ પુનીતે રાજલ સાથે લગ્ન કરવાની લાલચ આપી વારંવાર શરીર સબંધ બાધ્યો હતો. ત્યારબાદ રાજલ પ્રેમી સાથે લગ્ન કરવા અને અગાઉના લગ્નના છુટાછેડાની વાત કરવા માટે મધ્યપ્રદેશ ગઇ ત્યારે પણ આરોપીએ લગ્નની મીઠી મીઠી વાતો કરી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આરોપી પુનીતે રાજલને લગ્ન કરવાની લાલચ આપી ધંધા માટે એકાદ વર્ષમાં ટુકડે ટુકડે 22 લાખ રૂપિયા પડાવ્યા હતા. બાદમાં આરોપી યુવતીને "તારાથી મારું મન ભરાઈ ગયુ છે અને મારે તારી સાથે લગ્ન કરવા નથી" કહીને સંબંધ પૂરો કરી નાખવાનું જણાવ્યું હતું.
ચક્રો ગતિમાન: બાદમાં આરોપીએ યુવતી સાથે વાત ન કરી ફોન ઉપાડવાનું બંધ કરી દેતા યુવતી ફરી દિલ્હી તેને મળવા ગઈ હતી. ત્યારે આરોપીએ યુવતીને "તારી સાથે ક્યારેય લગ્ન કરવા ન હતા,અને હવે પછીથી તારી સાથે કોઇ પણ પ્રકારની વાતચીત કરવી નથી" કહીને ત્યાંથી નીકળી ગયો હતો. જેથી યુવતીએ સમગ્ર મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનના PI વી.એમ દેસાઈએ જણાવ્યું કે ફરિયાદી મહિલાએ જે રજૂઆત કરી છે, તે પ્રમાણે ફરિયાદ નોંધી આરોપી પુનીતને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.