અમદાવાદ : રાજસ્થાનમાં ઉદેપુરમાં વિલાની સ્કીમ મુકી અનેક લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ મામલે આનંદનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી પિતા-પુત્ર અને કંપની સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
શું હતો મામલો ? અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા અને નારણપુરા વિસ્તારમાં લેડી કેર વુમન્સ હોસ્પિટલ એન્ડ ચાઇલ્ડ કેર નામની હોસ્પિટલ ધરાવતા ડોક્ટર મીનોલ અમીને આ મામલે ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2019 માં તેઓના દીકરા ઈસાન અમીનના મિત્ર રૂષભ અગ્રવાલ થકી તેના પિતા ઘનશ્યામ અગ્રવાલે ઉદેપુર રાજસ્થાન ખાતે મેરાકી હીલ એન્ડ રિસોર્ટ ખાતે સ્કીમ મુકી હોવાની જાણ થઈ હતી. જે અંગેની જાણ તેઓને થતા તેઓએ હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટર વૃંદાબેન ધાગત સાથે વાત કરી હતી કે, તેઓએ ઘનશ્યામ અગ્રવાલભાઈના સગા થાય છે. તેઓ તેને પ્રહલાદનગર ખાતે આવેલી મોન્ડીયલ સ્કવેર બિલ્ડીગમાં ઓફિસમાં મળવા ગયા હતા.
વિલાની સ્કીમ : ત્યાં પિતા પુત્રને મળતા તેઓએ ઉદેપુર ખાતે મેરાકી હીલ એન્ડ રિસોર્ટ નામની સ્કીમમાં ડીલક્ષ વિલાના 75 લાખ, સુપર ડીલક્ષ વિલાના 80 લાખ, સુપર ડીલક્ષ વિલા પ્રીમીયમના 85 લાખ, પુલ વિલા 1.10 કરોડ, ગ્રાન્ડ સુટ 1.50 કરોડ અને પ્રેસિડેન્સિયલ સુટ 2.50 કરોડ, બંગ્લોઝ 6 કરોડ એમ અલગ અલગ રીતે રોકાણ કરવાની વાત કરી હતી. મીનોલ અમીનને પ્રેસિડેન્સીયલ સુટની સ્કીમ પસંદ આવતા 2.20 કરોડમાં સોદો નક્કી કર્યો હતો. વિલા તૈયાર થઈ જાય પછી દસ્તાવેજ કરી આપવાનું જણાવ્યું હતું. વિલા ભાડે આપીને તેમાં નફો મળે તેમાં રેવન્યુ શેરીંગ કરી બાકીના રૂપિયા આપવાની વાત કરી હતી. જેથી ફરિયાદીને વિશ્વાસ આવી જતા તેઓએ ટુકડે ટુકડે 87.50 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ માટે ટીમ કામે લગાડી છે. પુરાવાઓ એકત્ર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. -- વી.એમ દેસાઈ (PI, આનંદનગર પોલીસ સ્ટેશન)
આરોપી ગાયબ થયા : ફરિયાદી રાજસ્થાન ખાતે ફરવા જતા ત્યારે વિલાની સ્કીમની પણ મુલાકાત લેતા હતા. પરંતુ સ્કીમનું કામ ધીમી ગતીએ ચાલતુ હોવાથી તેઓ ઘનશ્યામ અગ્રવાલને આ બાબતે જણાવતા તે 2 વર્ષમાં સ્કીમ પૂરી કરી નાખવાનો વિશ્વાસ અપાવતો હતો. જોકે 2 વર્ષ પુરા થયા બાદ પણ સ્કીમનું કામ પૂર્ણ થયું ન હતું. જેથી ફરિયાદીએ આપેલા પૈસા પરત માંગતા ગલ્લા તલ્લા કરવામાં આવતા હતા. જોકે, બાદમાં ઘનશ્યામ અગ્રવાલે ટુકડે ટુકડે 8 લાખ 77 હજાર 500 રૂપિયા જ પરત કર્યા હતા. જે બાદ બાકીના રૂપિયા માટે ફોન કરતા તેનો ફોન બંધ આવતો હોવાથી તપાસ કરતા ઘનશ્યામ અગ્રવાલ અને તેનો દિકરો રૂષભ અગ્રવાલ અને તેના પરિવારના સભ્યો ઓફિસ અને ઘર બંધ કરી ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
કરોડો રૂપિયાની ઠગાઈ : મોનીલ અમીનને 78.72 લાખ રૂપિયા લેવાના બાકી નીકળતા હોય તેમજ પિતા-પુત્રએ આ રીતે અનેક લોકો પાસેથી વિલાના નામે પૈસા મેળવી કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી નાખ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. ફરિયાદી સિવાય સુધીર ઠાકર પાસેથી 26 લાખ, અંબર પટેલ પાસેથી 22 લાખ, રોશન શાહ તેમજ અતુલ વીંછી અને નરેન્દ્ર પાટીલે ભાગીદારીમાં આપેલા 27 લાખ, ગજાનંદ ભાવસારના 27 લાખ, મિતુલ પાલના પાસેથી 73 લાખ રૂપિયા લીધા હતા.
પોલીસ ફરિયાદ : આ મામલે અરજદારોએ ભેગા મળીને લેખિત અરજી કરી હતી. જેથી જી.ડી હોટેલ્સ એન્ડ રિસોર્ટ પ્રાઈવેટ લિમિટેડના અધિકૃત વ્યક્તિઓ તેમજ ઘનશ્યામ અગ્રવાલ અને રૂષભ અગ્રવાલ તમામે ભેગા મળીને પ્રહલાદનગર મોન્ડીયલ સ્કવેરમાં ઓફિસ ખોલીને વર્ષ 2018 માં મેરીકા હીલ એન્ડ રિસોર્ટ એન્ડ નામની સ્કીમમાં 450 વિલાઓ મુકી રોકાણકારોને કંપનીની તરફેણમાં લીઝ એગ્રીમેન્ટ કરાવી કંપની દ્વારા રિસોર્ટ ચલાવી તેમાં આવનાર ગેસ્ટ જે વિલામાં રહે તેના ચાર્જિસ પેટે વસુલેલી રકમમાંથી ખર્ચા બાદ કરી 50 ટકા રકમ વિલા ઓનરને આપવાની લાલચ આપીને 2 કરોડ 62 લાખ 50 હજાર રૂપિયાની છેતરપિંડી આચરતા આ મામલે આનંદનગર પોલીસ મથકે ગુનો નોંધાયો છે.