અમદાવાદ : શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી સારથી એનેક્ષી નામની સ્કીમના ચાર બિલ્ડરોએ લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. ચાર બિલ્ડરોએ જે દુકાન અસ્તિત્વમાં નથી તે દુકાનના બનાવટી દસ્તાવેજ બનાવી રૂપિયા 46 લાખની છેતરપિંડી કરી છે. આ અંગેની ફરિયાદ EOW ખાતે નોંધાઈ હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દુકાનના ખોટા દસ્તાવેજ : અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા કઠવાડા ખાતે સારથી એનેક્ષી નામની સ્કીમના બિલ્ડરે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. આરોપીઓએ ભેગા મળી ફરિયાદીને દુકાન સેમ્પલ તરીકે બતાવી હતી. દુકાનના દસ્તાવેજોની અંદર જે દુકાનનું નામ લખાયું તે હકીકતમાં દુકાન નહીં ફ્લેટ હતું. આરોપીઓએ ફરિયાદીને સારથી એનેક્ષી સ્કીમના એફ અને જી બ્લોકના પ્રથમ માળે દુકાન બતાવી હતી.
45 લાખની ઠગાઈ : આરોપીઓએ ફ્લેટના એ અને ઈ બ્લોકના પ્રથમ માળે દુકાનો ન હોવા છતાં ખોટા વેચાણ દસ્તાવેજો ઉભા કરી છેતરપિંડી કરી હતી. ફરિયાદીને ખોટા દસ્તાવેજ આપી કુલ 45 લાખ 85 હજારની છેતરપિંડી આચરી હતી. જે અંગે ફરિયાદીને જાણ થતા આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ મામલે હાલમાં ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ આ રીતે અન્ય કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે બાબતને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે. -- મનોજ ચાવડા (ACP, EOW અમદાવાદ)
આરોપી ઝડપાયા : આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ફરિયાદ નોંધાતા સારથી એનેક્ષી સ્કીમના માલિક પિતા-પુત્ર સહિત કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ઉમેશ રાઠોડ, બાબુ પટેલ, રાજેશ રાઠોડ અને નરસિંહ રાઠોડની ધરપકડ કરી તપાસ કરતા આ ગુનાહિત કાવતરું વિશ્વાસમાં લઈને કરવામાં આવ્યું હતું. જે દુકાન બતાવવામાં આવી અને બ્રોશર બતાવવામાં આવ્યું તેની જગ્યા પર અન્ય જગ્યાની દુકાનોના દસ્તાવેજો આપવામાં આવ્યા હતા.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ : ફરિયાદીને આ અંગે જાણ થતાં તપાસ માટે ગયા ત્યારે ત્યાં દુકાનની જગ્યા પર ફ્લેટ હતા. તે દુકાન અગાઉ અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવી હતી. EOW દ્વારા ધરપકડ કરવામાં આવેલા સારથી એનેક્ષીના માલિક સામે આ સ્કીમમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો છે.