અમદાવાદ : આનંદનગર વિસ્તારમાં આવેલા કૃષ્ણધામ ઔડાના મકાનમાં રહેતા ઉષાબેન કાનજીભાઈ રાણાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. 10 સપ્ટેમ્બરના રોજ તેઓ ઘરે હાજર હતા અને સવારના સમયે બ્લોકની નીચે શાકભાજી વાળો શિવાજી શુક્લા નામનો વ્યક્તિ આવ્યો હતો. છેલ્લા એક મહિનાથી તે શાકભાજી લઈને આવતો જતો હોય તેથી શાકભાજી લેવા માટે નીચે ગયા હતા. શાકભાજી વાળાને ટામેટાનો ભાવ પૂછતા ટામેટાનો ભાવ વધુ લાગતાં તેઓએ ભાવ વધુ કહો છો, તેવું કહેતા, શાકભાજીવાળાએ લેવા હોય તો નહીંતર જતા રહો, તેવું કહ્યું હતું.
માતાનો પક્ષ લેતા પુત્રનું થયું મોત : આ દરમિયાન જ ફરિયાદીનો દીકરો ચેતન રાણા ત્યાં આવી જતા તેણે શાકભાજીવાળાને કેમ મારી મમ્મીને તુકારાથી બોલે છે, શાકભાજી ન આપવી હોય તો ગેટની બહાર જતા રહો, તેવું કહેતા શાકભાજીની લારી ધરાવનારે તમારે જે કરવું હોય એ કરી લો, હું અહીંયાથી નહીં જવું તેમ કહીને ફરિયાદી તેમજ તેઓના દીકરા સાથે બોલાચાલી કરી હતી.
શાકભાજીની લારી વાળો બન્યો હત્યારો : તે દરમિયાન શિવાજી શુક્લાએ પોતાના હાથમાં ધારદાર ચપ્પુ હોય જેનાથી ફરિયાદીના દીકરાને ઉપરા છાપરી ત્રણ ઘા મારી દીધા હતા. તે સમયે મહિલાનો નાનો દીકરો જશવંત પણ ત્યાં આવી ગયો હતો અને તેણે પણ ભાઈને છોડાવવાનો પ્રયાસ કરતા તેને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. જે બાદ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આરોપીની ધરપકડ કરવામાં આવી : આ સમગ્ર બાબતને લઈને શિવાજી શુક્લા નામના શાકભાજીની લારી ચલાવનાર યુવક સામે આનંદનગર પોલીસ મથકે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ઘરપકડ કરી છે. આ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનના PI વી.એમ. દેસાઈએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ અંગે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સામાન્ય બાબતમાં આ ગુનાને અંજામ અપાયો છે. હાલ આગળની કાર્યવાહી ચાલુ છે.