અમદાવાદઃ શહેર ક્રાઈમ બ્રાન્ચ પેન્ડિંગ કેસોને ઉકેલવા અને ફરાર આરોપીઓની ઝડપી લેવા માટે સતત કાર્યવાહી કરી રહી છે. જેમાં આજે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને 20 વર્ષથી ફરાર એવા હત્યાના પ્રયાસમાં વોન્ટેડ ગુનેગારની ધરપકડ કરવામાં સફળતા મળી છે. આ વોન્ટેડ ગુનેગાર પર રુ.10000નું ઈનામ પણ રાખવામાં આવેલું હતું. પોરબંદરના કુતિયાણા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના ગુનામાં આ ગુનેગાર છેલ્લા 20 વર્ષથી વોન્ટેડ હતો.
પોરબંદરમાં કર્યો હતો ગુનોઃ આરોપી પાંચારામ પોરબંદર જિલ્લાના સિરવા ગામના એક ખેતરમાં ખેતમજૂરીનું કામ કરતો હતો. આ ખેતરની જમીન બાબતે પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. પાંચારામે પુત્રનો પક્ષ લીધો અને પુત્ર સાથે મળીને પિતા પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પાંચારામે કુહાડી, લાકડીઓ તેમજ ભાલા વડે ખેતરના માલિકને મૂઢમાર માર્યો હતો. આરોપી વિરુદ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ સંબંધી કલમ 307 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી બનાવના સ્થળેથી ભાગી ગયો હતો અને પોલીસની પકડથી નાસતો ફરતો હતો.
રાજસ્થાનથી ઝડપાયોઃ પોલીસ કમિશ્નર દ્વારા અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચને ગુનાઓ કરી ફરાર થઈ જતાં આરોપીઓને ઝડપી લેવા સૂચના અપાઈ છે. જે અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચે 20 વર્ષથી ફરાર એવા પાંચારામ માંગીલાલ સોલંકી નામના આરોપીને ઝડપી લીધો છે. આ વોન્ટેડ આરોપીની રાજસ્થાનના જૈતારણ ગામેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાંચારામ પર સરકારે રૂ.10000નું ઈનામ પણ જાહેર કર્યું હતું.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને આરોપી પાંચારામ રાજસ્થાનમાં છુપાયો હોવાની બાતમી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ રાજસ્થાનના જૈતારણ ગામે પહોંચી હતી. અહીં આરોપી પોલીસના સકંજામાં આવી ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને લઈને અમદાવાદ આવી છે. કાયદાકીય કાર્યવાહી બાદ કુતિયાણા પોલીસ સ્ટેશનને આ આરોપી સોંપી દેવામાં આવશે...મનોજ ચાવડા (એસીપી, અમદાવાદ)