અમદાવાદ : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે દારૂ બાદ ડ્રગ્સ હેરાફેરી મામલે કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસો પહેલા જ લાખોની કિંમતના ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે ફરી એકવાર ડ્રગ્સની મોટી હેરાફેરી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આ મામલે અમદાવાદના હાથીજણ અસલાલી રિંગ રોડ નજીકથી લાખો રૂપિયાની કિંમતના મેફેડ્રોનના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.
બંને આરોપીએ પહેલાં પણ ડ્રગનો જથ્થો મોકલ્યો હતો : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે 485 ગ્રામથી વધુના MD ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપી આઝમખાન પઠાણ અને કેફ ખાન પઠાણ અગાઉ પણ અમદાવાદમાં ડ્રગનો જથ્થો સપ્લાય કરી ચૂક્યા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવી છે.
શુદ્ધ જથ્થામાંથી વધુ ડ્રગ્સનો જથ્થો બનાવતાં : આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ MD ડ્રગ્સ ખૂબ જ ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે. જેમાં મિશ્રણ કરી આરોપીઓ આઝમ ખાન અને કેફ ખાન મેફેડ્રોનના શુદ્ધ જથ્થામાંથી વધુ ડ્રગ્સનો જથ્થો બનાવતાં હતાં. જેને આરોપીઓ અમદાવાદ શહેરના જુદાજુદા વિસ્તારોમાં છૂટક કિમતે વેચતાં હતાં. ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા ડ્રગ્સના જથ્થાની અંદાજિત કિંમત 49 લાખ 58 હજાર જેટલી છે.
જૌનપુર શહેરથી લાવ્યાં ડ્રગ : આરોપીઓ ડ્રગ્સનો આ જથ્થો ઉત્તર પ્રદેશના આઝાદ નામના કોઇ શખ્સ પાસેથી લઇ આવ્યાં હોવાનું ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા આ બંને આરોપીઓ ઉત્તર પ્રદેશના જૌનપુર શહેરથી ટ્રેન દ્વારા 500 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્ઝનો જથ્થો ળઇને આવ્યાં હતાં. આઝમ ખાન પઠાણ અમદાવાદ શહેરના બાપુનગરમાં આવેલ પન્ના એસ્ટેટમાં રહે છે. ત્યારે આરોપી આ જ વિસ્તારમાં ડ્રગ્ઝનું છૂટક છૂટક વેચાણ કરતો હતો. ઓછી મહેતનમાં આરોપીઓના લાખો રૂપિયા કમાઇ લેવાના ઇરાદા હતાં જેને લઇને તેઓ આ પ્રકારે નશીલા પદાર્થોનું વેચાણ કરતા હતાં.
આ પણ વાંચો MD Drugs Case Ahmedabad: સરસપુરમાંથી 5 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો
એફએસએલમાં તપાસ માટે મોકલાયું ડ્રગ : આરોપીઓ પાસેથી ઝડપાયેલા 500 ગ્રામ ડ્રગ્ઝના જથ્થાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એફએસએલમાં તપાસ માટે મોકલ્યો હતો. આ મામલે ઝડપાયેલા ડ્રગ્સને ક્રાઈમ બ્રાન્ચે એફએસએલમાં તપાસ માટે મોકલતા સામે આવ્યું હતું કે ઝડપાયેલું આ ખૂબ જ ઊંચી ગુણવત્તાનું ડ્રગ્સ છે અને આ ડ્રગ્સના જથ્થામાંથી પાંચ કિલો એમડી ડ્રગ્સ બની શકે તેમ છે. આમ આ ગુનામાં આરોપીઓ દ્વારા ઉંચી ગુણવત્તા ધરાવતું ડ્રગ્સ લાવીને તેને વધુ માત્રામાં બનાવીને વેચાણ કરતા હોવાનું પણ સામે આવ્યું છે.
ડ્રગ્સના કારોબાર વિશે પૂછપરછ : બાપુનગરમાંથી આરોપી દ્વારા થતી આવી ગુનાખોરી પકડાવાના મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે બે શખ્સોની હાલ ધરપકડ કરવામાં આવી છે. તેઓના રિમાન્ડ મેળવી ડ્રગ્સના કારોબાર વિશે પૂછપરછ હાથ ધરવામાં આવશે. પકડાયેલો એક આરોપી અગાઉ પણ ડ્રગ્સ લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેથી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરાઈ છે.