અમદાવાદ : અમદાવાદ શહેરના મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન માલિકે પોલીસને દોડતી કરી મૂકી હતી. રોહિત પટણીએ પોલીસ કંટ્રોલમાં મેસેજ કર્યા હતા કે રાઇફલ સાથે કોઈ ઇસમ હુમલો કરવા આવે છે. જે મેસેજ આધારે મેઘાણીનગર પોલીસે સ્થળ ઉપર જઈ તપાસ કરતા કોઈ હુમલો કરવા આવેલ હોવાનું જણાયું ન હતું. આમ આ ઇસમે ખોટા કોલ કર્યાં હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ ચોપડે ચડેલા આરોપીનું કારસ્તાન : ખોટા મેસેજ અંગે પોલીસે કાર્યવાહી કરતા પોલીસ સાથે ઝપાઝપી કરી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા રોહિત પટણી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. આરોપીએ અગાઉ પણ પુરવઠા મહિલા અધિકારી ઉપર હુમલો અને પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવાના ગંભીર ગુનાઓ આચરેલા છે. જે આરોપી હાલ પોલીસ ઉપર માર માર્યાના આક્ષેપ કરીને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
શહેરના મેઘાણીનગર વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાન માલિક રોહિત પટણી સતત બે દિવસથી તેની દુકાનમાં કોઈ ઈસમ રાયફલ લઇને હુમલો કરવા આવે છે તેવા કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યા હતાં. બે દિવસથી સતત ફોન આવતાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાંથી પોલીસની ટીમે સ્થળ પર જઈ તપાસ કરતા આવી કોઈ ઘટના ન બની હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ત્યારે રોહિતે પોલીસ સાથે ઝપાઝપી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની પોલીસને ધમકી આપતા મેઘાણીનગર પોલીસે ખોટા કોલ કરી પોલીસને હેરાન કરવા અને ખોટા આરોપો કરવા બાબતે રોહિત પટણી વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી...વાય. જે રાઠોડ, (પીઆઈ, મેઘાણીનગર)
ઉલટા ચોર કોટવાલ કો ડાંટે : પરંતુ આ ઘટનામાં નવો વળાંક આવ્યો હતો પોલીસ કોઈ એક્શન લે તે પહેલા જ રોહિત પટણીએ પોલીસ વિરૂદ્ધ માર માર્યાના આક્ષેપો કરી સિવિલમાં સારવાર માટે દાખલ થઈ ખોટી ઘટના ઉપજાવતા ઉલટા ચોર કોટવાલ કો ડાંટે જેવી કહેવત જોવા મળી છે. રોહિત પટણી સસ્તા અનાજની દુકાન ચલાવે છે. તે ઈસમ દ્વારા આ અગાઉ પણ પુરવઠા મહિલા અધિકારી પર હુમલો કર્યો હોવાના અહેવાલ પણ સાંભળવા મળી રહ્યા છે ઉપરાંત આ ઈસમે પોલીસ જાપ્તામાંથી પણ નાસી છૂટવાના ગંભીર ગુનાઓ આચરેલા છે ત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રોહિત પટણી મામલે પોલીસ શું પગલાં લેશે તે જોવાનું રહ્યું.